સુરત,
શહેરમાં આપઘાતના બનેલા ૫ બનાવમાં ઉધનામાં ધોરણ ૯ની વિદ્યાર્થીનીએ, રાંદેરના ઇજનેરે, પાંડેસરાની પરિણીતાએ અને વરાછાના રત્નકલાકારે અને શ્રમિકે આપઘાત કર્યો હતો.નવાગામ ડિંડોલી ખાતે રહેતા જમીન દલાલ હરેરામ દ્વિવેદીને પત્ની સાથે અણબનાવ હોવાથી અલગ રહે છે. તેમની પત્ની ઉધના ખાતે પુત્રી અને પુત્ર સાથે રહે છે. શુક્રવારે સાંજે તેમની ૧૫ વર્ષીય પુત્રી નિમીષાએ ફાંસો ખાઈ લીધો હતો. નિમીષાને ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
હરેરામે સિવિલ દોડી આવી હોબાળો મચાવતા પતિ-પત્નીના સંબંધીઓ આમને સામને આવી ગયા હતા . હોબાળાને પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પિતાના આક્ષેપોને પગલે પોલીસે મૃતક નિમીષાનું ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં પણ નિમીષાએ આપઘાત કર્યાનું રિપોર્ટમાં આવ્યું હતું. માતા-પિતાના અણબનાવના કારણે નિમીષાએ આપઘાતનું પગલું ભર્યું હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે. વરાછા રણુજાધામ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય રત્નકલાકાર અજય સોલંકીએ શનિવારે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ જાણી શકાયું ન હતું. અન્ય બનાવમાં વરાછાના સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય શ્રમિક પીયુષ અરવિંદ ગામિત સાડીની દુકાનમાં કામ કરતા હતાં. શનિવારે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.પાંડેસરા ગુરુકૃપા સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય મમતા પરિહારે શુક્રવારે રાત્રે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મમતા પતિ સાથેના ઘરકંકાસથી કંટાળીને આત્યંતિક પગલું ભર્યું હતું.