
ભારતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા વધારે છે. આ ચોંકાવનારી વાત એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. ડેટાના આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંકટ સતત વધી રહ્યું છે. દર વર્ષે આત્મહત્યાના દરમાં ૨ ટકાનો વધારો થાય છે, જ્યારે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪ ટકાનો વધારો થઈ રહ્યો છે. આત્મહત્યાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા નથી ત્યારે આ સ્થિતિ છે આઇસી-૩ સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટનું શીર્ષક છે ‘વિદ્યાર્થી આત્મહત્યા: ભારતમાં વધતી જતી મહામારી’.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લા બે દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં ૪ ટકાના દરે વધારો થયો છે. આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણું છે. ૨૦૨૨માં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૫૩ ટકા છોકરાઓ હતા. ૨૦૨૧ અને ૨૦૨૨ ની વચ્ચે, પુરૂષ વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસમાં ૬ ટકાનો ઘટાડો થયો હતો. છોકરીઓના આત્મહત્યાના કેસમાં ૭ ટકાનો વધારો થયો છે. આ આંકડો ચિંતાજનક પણ છે અને દર્શાવે છે કે કેવી રીતે છોકરીઓ પણ શિક્ષણમાં ટોચનું સ્થાન હાંસલ કરવા દબાણ હેઠળ છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ એટલી ઝડપથી વધી છે કે વસ્તી વૃદ્ધિ દર અને કુલ આત્મહત્યાના કેસ કરતાં સરેરાશ વધારે છે. છેલ્લા દાયકામાં ભારતમાં ૦ થી ૨૪ વર્ષની વયજૂથના લોકોની સંખ્યા ૫૮૨ મિલિયનથી ઘટીને ૫૮૧ મિલિયન થઈ છે. તે જ સમયે, વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના કેસ ૬,૬૫૪ ની સામે વધીને ૧૩,૦૪૪ થઈ ગયા છે.આઇસી૩ સંસ્થા એ સ્વયંસેવક સંસ્થા છે જે વિશ્ર્વભરના શાળા સંચાલકોને તાલીમ આપવામાં મદદ કરે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મઘ્યપ્રદેશમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા વધુ છે. દેશભરમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આ રાજ્યોમાંથી આવે છે.
જો આપણે દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દેશમાં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૨૯ ટકા વિદ્યાર્થીઓ અહીં છે. આ સિવાય રાજસ્થાન આ મામલે ૧૦માં નંબર પર આવે છે. રાજસ્થાનના કોટા શહેરમાંથી અવારનવાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાના અહેવાલો સામે આવે છે. આ રિપોર્ટ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા પર આધારિત છે, જે દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો છે. એ પણ નોંધનીય બાબત એ છે કે આત્મહત્યાના ઘણા કિસ્સા નોંધાતા નથી કારણ કે લોકો તેને સામાજિક રીતે જણાવવાનું ટાળે છે. આ સિવાય કાયદાકીય ગૂંચવણો પણ લોકોને પરેશાન કરે છે.