સરકારે પાકિસ્તાનમાં સતત થઈ રહેલા આતંકી હુમલાઓને લઈને મોટી માહિતી આપી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે દેશમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા મોટાભાગના આતંકવાદીઓને પાછલી સરકાર દરમિયાન થયેલા કરાર હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.
આંતરિક બાબતોની સેનેટની સ્થાયી સમિતિને માહિતી આપતાં તેમણે કહ્યું કે મુક્ત કરાયેલા આતંકવાદીઓ સરહદ પાર અફઘાનિસ્તાનમાં ભાગી ગયા છે અને ત્યાંથી હુમલાઓ કરી રહ્યા છે. પાકિસ્તાન વિરૂદ્ધ હુમલાનું કાવતરું ઘડનારા મોટા ભાગનાને કરાર હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગૃહ સચિવે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી છે અને સરકારને તમામ પુરાવા આપ્યા છે અને પગલાં લેવા વિનંતી કરી છે.
નકવીએ આતંકવાદીઓની મુક્તિ માટેની સમજૂતી અંગે માહિતી આપી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ૨૦૨૧માં તાલિબાન દ્વારા કાબુલ પર કબજો મેળવ્યા બાદ ઈમરાન ખાન સરકારે મંત્રણા બાદ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. ઈમરાન ખાને અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ગુલામીની બેડીઓ તોડી નાખી છે.
વાસ્તવમાં, પાકિસ્તાનને ઘણી આશા હતી કે કાબુલમાં તાલિબાન શાસન તેની સુરક્ષા સમસ્યાઓ હલ કરશે, પરંતુ જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યા છે, પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે અને આતંકવાદી હુમલાઓ અનેક ગણા વધી ગયા છે. નકવીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ઘણા હુમલાની યોજના ઘડી રહી હતી. તેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (્ઁ)ના આતંકવાદીઓ પણ સામેલ છે. બલૂચિસ્તાનમાં બસ હુમલામાં ૫૦ લોકોના મોત અંગે તેમણે કહ્યું કે પ્રતિબંધિત સંગઠનોના જૂથોએ હુમલાની યોજના બનાવી હતી.
તેમણે કહ્યું કે બલૂચિસ્તાનમાં સૈન્ય કાર્યવાહીની કોઈ યોજના નથી અને ખૈબર-પખ્તુનખ્વામાં ઓપરેશન ગુપ્ત માહિતીના આધારે ચલાવવામાં આવી રહ્યું છે. અમે ટૂંક સમયમાં આતંકવાદને ખતમ કરીશું.