
- અમે ૨૦ વર્ષથી પરિવર્તનની માંગ કરી રહ્યા છીએ, પરંતુ અમે માત્ર નિરાશ થયા છીએ.
નવીદિલ્હી, દક્ષિણ આફ્રિકામાં બ્રિકસ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશોના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વિદેશ મંત્રીએ કહ્યું- આતંકવાદ વિશ્ર્વની શાંતિ અને સુરક્ષા માટે મોટો જોખમી છે. તેના ફંડિંગ અને પ્રચાર સામે કડક પગલાં લેવા જોઈએ. જયશંકરે એમ પણ કહ્યું કે તમામ પ્રકારના આતંકવાદ સામે મજબૂતીથી લડવું જોઈએ, તેને જડમૂળથી ઉખાડી નાખવું જરૂરી છે.
બ્રક્સ દેશોની બેઠકમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ફેરફારની માંગ ઉઠાવી હતી. જયશંકરે કહ્યું- અમે ૨૦ વર્ષથી પરિવર્તનની માંગ કરી રહ્યા છીએ, પરંતુ અમે માત્ર નિરાશ થયા છીએ. તેથી બ્રિક્સ દેશોએ આવી બાબતોમાં એક્તા દાખવવી જરૂરી છે.
ખરેખરમાં,યુએનએસસીના કાયમી સભ્ય બનવામાં ચીન સૌથી મોટો અવરોધ છે. અત્યાર સુધી ચીને માત્ર યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદનો વિરોધ કર્યો છે. ચીન પોતાના સ્ટેન્ડ પરથી હટવા તૈયાર નથી. જો ચીન પોતાનું વલણ નહીં બદલે તો ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, રશિયાના સમર્થન પછી પણ ભારત યુએનએસસીનું કાયમી સભ્ય નહીં બની શકે.
બ્રિક્સ દેશોની બેઠકમાં વિશ્ર્વમાં પશ્ર્ચિમી દેશોના વર્ચસ્વ સામે ચર્ચા કરવામાં આવી હતી અને તેમના વર્ચસ્વથી દૂર એક નવી વૈશ્ર્વિક વ્યવસ્થા સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી હતી. બેઠકમાં ભારતના વિદેશ મંત્રીએ કહ્યું કે હવે દુનિયા બદલાઈ રહી છે, નવી સમસ્યાઓનો ઉકેલ જૂની રીતે શોધી શકાતો નથી. આ તરફ બ્રાઝિલના વિદેશ પ્રધાન મઉરો વિયરાએ કહ્યું કે બ્રિક્સ વિશ્ર્વને બહુધ્રુવીય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ બેઠકમાં ચીનના ઉપ વિદેશ મંત્રી અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પણ હાજર હતા. લાવરોવે કહ્યું કે સાઉદી સહિત ડઝનબંધ દેશો બ્રિક્સ સંગઠનમાં જોડાવા માંગે છે.