આતંકની અતિ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવારે રાત્રે આતંકીઓ સાથે અથડામણમાં એક કેપ્ટન સહિત ચાર જવાનોના બલિદાને ફરીથી એ ઉજાગર કર્યું છે કે આતંકવાદ વિરુદ્ઘ લડાઈ જેટલી મુશ્કેલ છે એટલી જ જરૂરી છે. છેલ્લા લગભગ ચાલીસ દિવસોમાં ૧૨ જવાન અને ૧૦ નાગરિકો વિભિન્ન આતંકી ઘટનાઓમાં માર્યા ગયા છે. સ્પષ્ટ છે કે ઘાટીમાં સુરક્ષા દળોની સક્રિયતાથી ગિન્નાયેલા આતંકી પોતાના દુસ્સાહસથી હવે રાજ્યના એ ભાગમાં દહેશત પેદા કરવા માગે છે, જેને હાલના વર્ષોમાં અપેક્ષાકૃત શાંત માનવામાં આવતો હતો.

હજુ થોડા દિવસ પહેલાં કઠુઆમાં ફૌજી વાહન પર આતંકી હુમલામાં પાંચ સૈનિકો બલિદાન થયા હતા. જોકે ગાઢ જંગલોનો ફાયદો ઉઠાવીને આતંકી ત્યારે બચી નીકળ્યા હતા. આ વખતે સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષાકર્મીઓની મુશ્કેલી એ છે કે જમ્મુના રહેણાંક વિસ્તારોમાં આબાદી ઘણી ગીચ છે અને જંગલ ક્ષેત્ર એટલું ગાઢ છે કે તેનું હવાઈ નિરીક્ષણ કરવું શક્ય નથી. એવામાં આતંકીઓની ઓળખ કરીને તેમને ઘેરવામાં ઘણી મુશ્કેલી પડે છે.

ડોડા ઘટનાની જવાબદારી લેનારા ‘કાશ્મીર ટાઇગર્સ’ જેવા આતંકી સંગઠનોના તાજા ધૂંધવાટનું એક મોટું કારણ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયાની બહાલીને લઈને વધેલી ગરમી છે. એવામાં આતંકીઓની બેચેની સમજી શકાય છે કે જે રીતે લોક્સભા ચૂંટણીમાં ઘાટીમાં લોકો મતદાન કેન્દ્રો પર ઉમટી પડ્યા અને દાયકાઓ જૂનો રેકોર્ડ તૂટ્યો, જો વિધાનસભા ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ ઓર વયો એટલે જે ‘સ્લીપર સેલ’ને કારણે આતંકનો આખો કારોબાર ચલાવે છે, તેઓ પણ મુખ્યધારા પ્રત્યે આકષત થઈને, તેના વિરુદ્ઘ થઈ શકે છે અને પછી તેના સફાયામાં બહુ સમય નહીં લાગે.

એટલે તેમને ઘાટીને બદલે જમ્મુમાં પોતાની સક્રિયતા વધારી છે, જેથી લોક્તાંત્રિક પ્રક્રિયાને બાધિત કરી શકાય અને સીમા પારના આકાઓ પાસેથી મદદ મેળવવાનો સિલસિલો ચાલુ રહે. પરંતુ આતંકીઓ વિરુદ્ઘ સુરક્ષા દળોની લડાઈના આ મહત્ત્વના વળાંક પર જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ રાજ્ય પોલીસને જે રીતે ઘેરવાની કોશિશ કરી, તે નિંદનીય જ છે. મેહબૂબા શીર્ષ પોલીસ અધિકારી પર જેવા આરોપ લગાવી રહ્યાં છે, તેનાથી પહેલેથી જ વિભાજિત સમાજમાં ધ્રુવીકરણ વધશે, બલ્કે સુરક્ષા દળોના મનોબળ પર પણ તેની ખરાબ અસર પડશે. પોલીસના ઉચ્ચ અધિકારી જો કહી રહ્યા હોય કે ઘાટીના નાગરિક સમાજમાં પાકિસ્તાની ‘ઘૂસણખોરી’ને ઉત્તેજન આપવામાં કેટલાક રાજકીય પક્ષોનું વલણ પણ જવાબદાર છે, તે આધારહીન નથી.

મુશ્કેલી એ છે કે કોઈપણ રાજ્યને આતંક મુક્ત કરવા માટે રાજકીય વર્ગો અને પ્રશાસનિક તંત્રમાં બહેતર તાલમેલ પહેલી જરૂર છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ તેને જાણવા માટે બહુ દૂર જોવાની જરૂર નથી. પંજાબમાં આતંકવાદના સફાયામાં સફળતા એટલા માટે મળી શકી, કારણ કે ત્યાંના તમામ રાજકીય પક્ષોએ એક સૂરમાં આતંકીઓનો વિરોધ કર્યો. પરંતુ આ રાજકીય એકજુટતાની ઉણપ જમ્મુ-કાશ્મીરમાં હંમેશાં જોવા મળી છે. એટલે સમયની માંગ છે કે રાજકીય પાર્ટીઓ અને પોલીસ-પ્રશાસન સાથે જોડાયેલા લોકો પહેલાં એકજુટતા દેખાડે, નહિ તો આતંકી તેમના સાર્વજનિક મતભેદોનો લાભ ઉઠાવતા રહેશે.