- દાહોદમાં NIAની ટીમ આવી પણ સ્થાનીક પોલીસ તપાસથી અજાણ.
- હથિયાર સપ્લાયમાં સંડોવણી, બેંક એકાઉન્ટમાં 90 હજારનું ટ્રાન્સફર અને આતંકી જશપ્રિતસિંહનો દૂરનો સાળો થતો હોઇ તપાસનું અનુમાન.
દાહોદ,પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાસલા ઇન્ટરનેશનલના તમામ ઠેકાણાઓ ઉપર એએનઆઇની ટીમ છાપા મારી રહી છે.આ સંગઠનનો આતંકવાદી લખબીરસિંહ સંધુનો સાગીરત જશપ્રિતસિંહ પંજાબના ફિરોજપુરથી પકડાયો છે. ત્યારે તેની તલસ્પર્શી પુછપરછ બાદ મધ્ય પ્રદેશ અને પંજાબ સાથે ગુજરાતમાં પણ કનેક્શન સામે આવતાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે આતંકવાદી સંગઠનનું કનેક્શન દાહોદમાં ખુલ્યુ હોવાની વાતે શહેર સાથે આખા જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદ શહેરમાં ચાકલિયા રોડ ઉપર આવેલા સ્લમ વિસ્તારમાં રહેતાં રઘુ નામક યુવકની એએનઆઇ દ્વારા પુછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ રઘુ આમ તો મૂળ મધ્ય પ્રદેશના સેંધવાનો વતની છે, પરંતુ તે હાલમાં અહીં રહેતો હોવાનું જાણવા મળ્યુ છે.
એએનઆઇની ટીમે સ્થાનિક પોલીસ સાથે રઘુના ઘરે ગઇ હતી. ત્યાં લાંબો સમય પુછપરછ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક પોલીસને પુછતાં તેમણે એએનઆઇની ટીમ આવી હોવાનું સ્વિકાર્યુ હતું પરંતુ તેમની તપાસ શું છે, કયા સબંધે છે તેમને પણ ખબર નહીં હોવાનું જણાવ્યુ હતું. મધ્ય પ્રદેશનું સેંધવા પંથકના કેટલાંક ગામો ગેરકાયદે હથિયાર બનાવવા અને તેના વેચાણ માટે પંકાયેલા છે. ત્યારે દાહોદમાં રહેતાં રઘુના ઘરે તપાસ કરવામાં આવતાં ગેરકાયદે હથિયાર સપ્લાય કરવામાં તેની કોઇ ભૂમિકા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ એમ પણ કહેવાઇ રહ્યુ છે કે, રઘુ આતંકી જશપ્રિતસિંહનોનો દૂરનો સાળો થાય છે. પંજાબથી રઘુના બેંક એકાઉન્ટમાં 90 હજાર રૂપિયા પણ ટ્રાન્સફર થયા હોવાને કારણે આ રૂપિયા મામલે પણ તપાસ કરવામાં આવી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. એએનઆઇ રઘુને પોતાની સાથે લઇ ગઇ છે કે પુછપરછ બાદ તેનો છોડી મુકવામાં આવ્યો છે તે પણ જાણવા મળ્યુ નથી.