નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર-મધ્યથી મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ લોક્સભા ચૂંટણી માટે ઉમેદવારોની ૧૫મી યાદી જાહેર કરી છે. જેમાં આતંકવાદી ક્સાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે પૂનમ મહાજનની ટિકિટ રદ કરી છે.
ઉજ્જવલ નિકમ આતંકવાદ સંબંધિત કેસોમાં માસ્ટર હોવાનું કહેવાય છે. તેમના વિશે એવું કહેવાય છે કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ સંજોગોમાં છટકી શકશે નહીં. અત્યાર સુધીમાં તેમણે ૬૨૮ દોષિતોને આજીવન કેદ અને ૩૭ને ફાંસીની સજા અપાવી ચુક્યા છે. ઉજ્જવલ નિકમ પહેલીવાર ચર્ચામાં આવ્યા જ્યારે તેમને ૨૬/૧૧ના કેસમાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ ક્સાબનો કેસ સોંપવામાં આવ્યો.
ભૂતપૂર્વ વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસની વર્ષા ગાયકવાડ સામે લોક્સભા ચૂંટણી લડશે. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ મહાજનને હટાવવાનો નિર્ણય લીધો છે. ઉજ્જવલ નિકમ, તેમની લાંબી અને પ્રખ્યાત કાનૂની કારકિર્દીમાં, ૧૯૯૩ના બોમ્બે બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ અને ૨૦૦૮ના મુંબઈ હુમલા સહિતના અનેક કેસ સાથે સંકળાયેલા હતા. તે ૨૦૧૩ના મુંબઈ ગેંગ રેપ કેસમાં વિશેષ સરકારી વકીલ પણ હતા.
ઉજ્જવલ નિકમને ૨૦૧૬માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઉજ્જવલ નિકમ જલગાંવના છે અને છેલ્લી ચૂંટણીમાં ભાજપ તેમને જલગાંવથી ઉમેદવાર બનાવવાનું વિચારી રહી હતી. ભાજપે વર્તમાન સાંસદ પૂનમ મહાજનને હટાવવાનો નિર્ણય લીધો છે કારણ કે ઘણા ચૂંટણી સર્વેક્ષણોએ તેમના માટે નકારાત્મક રેટિંગ દર્શાવ્યા છે. મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ શેલારના નામની પણ ચર્ચા થઈ રહી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.