
ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક ૧૦૦ને પાર પહોંચી ગયો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પેશાવર પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, ૨૨૧ ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ૧૦૦થી વધુ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દરમિયાન, રાજધાની ઈસ્લામાબાદમાં સંસદના ઉપલા ગૃહમાં આતંકવાદી હુમલાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો.હુમલાને રોકવામાં નિષ્ફળતા સામે સાંસદોએ રોષ વ્યક્ત કર્યો હતો. કહ્યું કે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી જોઈએ. જમાત-એ-ઈસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે કહ્યું કે આ સત્ર બંધ રૂમમાં યોજવું જોઈએ. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય. તેમણે કહ્યું કે આપણો દેશ ગરીબ હોવા છતાં સશ દળો, ન્યાયતંત્ર અને પોલીસને અબજો ડોલર આપી રહ્યો છે, તેથી સુરક્ષા સંસ્થાઓને એ પૂછવાનો અધિકાર છે કે આવી ઘટનાઓ કેમ બની રહી છે અને ગુપ્તચર એજન્સીઓ હુમલાને રોકવામાં કેમ નિષ્ફળ રહી છે.
ટીટીપીએ ગયા વર્ષે તેના કમાન્ડરની હત્યા બાદ પાકિસ્તાન સામે ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે ટીટીપીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ કથિત ડુરંડ લાઇનની બંને બાજુ ઇસ્લામિક અમીરાત સ્થાપશે. આ વિસ્તારમાં પાકિસ્તાનના પેશાવર, ખૈબર પખ્તુનખ્વા, મલાકંદ, મર્દાન, ડેરા ઈસ્માઈલ ખાન, બન્નુ, કોહાટ અને ઝોબનો સમાવેશ થાય છે, જેમાં ટીટીપી સક્રિય છે. તેણે આ પ્રદેશને ૨ પ્રાંતોમાં વિભાજિત કર્યો. અફઘાનિસ્તાનના વિસ્તારમાં તેનું નિયંત્રણ છે.
પાકિસ્તાનમાં છેલ્લાં ૨૨ વર્ષમાં ૧૫,૯૯૭ આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં ૨૮,૯૧૮ લોકો (નાગરિક અને જવાન) માર્યા ગયા છે. એટલે કે રોજના સરેરાશ ૪ લોકોનાં મોત થયાં હતાં. આ વર્ષે ૩૦ જાન્યુઆરી સુધી પાકિસ્તાનમાં ૩૧ આતંકી હુમલા થયા છે જેમાં ૪ નાગરિકો સહિત ૧૪૦ જવાનો શહીદ થયા હતા. ૨૦૨૨માં ૩૬૫ હુમલા થયા જેમાં ૨૨૯ લોકો માર્યા ગયા, ૩૭૯ સૈનિકોએ જીવ ગુમાવ્યો.
હુમલામાં માર્યા ગયેલા ફિદાયીનનું માથું કબજે કરવામાં આવ્યું છે ટીટીપી કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીના ભાઈએ દાવો કર્યો છે કે આ હુમલો તેના ભાઈની હત્યાનો બદલો હતો ટીટીપી પાસે વિશાળ ઓપરેશનલ ક્ષમતાઓ, મજબૂત રાજકીય પહોંચ અને અંદાજિત ૭ અબજ યુએસ ડોલરના લશ્કરી સાધનો હોવાનું માનવામાં આવે છે. તેને પડોશી દેશની સત્તાનો સીધો ટેકો મળે છે.