કેનેડા, કેનેડા પોલીસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ચોથા ભારતીયની ધરપકડ કરી છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ચોથા આરોપી, જે પહેલાથી જ હથિયારોની દાણચોરી માટે પોલીસ કસ્ટડીમાં હતો, તેના પર હવે નિજ્જરની હત્યા અને કાવતરું ઘડવાના નવા આરોપો મૂકવામાં આવ્યા છે. આ પહેલા કેનેડા પોલીસે વધુ ત્રણ ભારતીયોની પણ ધરપકડ કરી હતી.
કેનેડા લાંબા સમયથી કહી રહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હતો, પરંતુ મોદી સરકારે તે તમામ દાવાઓને ફગાવી દીધા છે અને તેના કારણે બંને દેશોના સંબંધો પણ બગડ્યા છે.
હવે આ તણાવ વચ્ચે કેનેડા પોલીસે અમનદીપ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે પહેલાથી જ અન્ય હથિયાર કેસમાં કસ્ટડીમાં હતો, હવે તેના પર હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમનદીપ સિંહ કેનેડાના ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં રહેતો હતો. નોંધનીય છે કે, આ કેસમાં અગાઉ કેનેડિયન પોલીસે કરણ બ્રાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની પણ ધરપકડ કરી હતી.
મોટી વાત એ છે કે જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે તમામ ભારતીયો છે, જેનો અર્થ છે કે કેનેડા હજુ પણ દાવાઓ પર એ જ સ્ટેન્ડ પર ઊભું છે જેને ભારત ફગાવી રહ્યું છે. વડા પ્રધાન જસ્ટિન ટૂડો પહેલેથી જ કહી ચૂક્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓ સીધી રીતે સામેલ છે, એક ષડયંત્રના ભાગરૂપે તેની હત્યા કરવામાં આવી હતી.પરંતુ આ દાવાઓ વચ્ચે એક સત્ય એ છે કે કેનેડા જેને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે તે નિજ્જર પોતે જ ભારત પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. આ માટે તેણે પાકિસ્તાનમાં ખતરનાક હથિયારોની ટ્રેનિંગ લીધી હતી. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ ના વડા હરદીપ સિંહ નિજ્જર વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.