નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આસિયાન ઈન્ડિયા સમિટ દરમિયાન યોજાયેલી વાતચીતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું છે કે ઈન્ડોનેશિયાની મુલાકાત ખૂબ જ ટૂંકી પરંતુ ઘણી ઉપયોગી હતી. અહીં હું આસિયાન અને અન્ય દેશોના નેતાઓને મળ્યો. રાષ્ટ્રપતિ જોકોવી ઉપરાંત, હું ઉષ્માભર્યા સ્વાગત માટે ઇન્ડોનેશિયાની સરકાર અને લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન ઈન્ડિયા સમિટમાં કહ્યું હતું કે અમારી મિત્રતા હવે ચોથા દાયકામાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં આસિયાન દેશો સાથે ભારતની આ બેઠક અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. અહીં તેમણે કહ્યું કે ૨૧મી સદી એશિયાઈ દેશોની છે. અમારી મિત્રતા આવનારા સમયમાં આ ક્ષેત્રમાં ઘણા વિકાસ લાવશે તેની ખાતરી છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણો ઈતિહાસ અને ભૂગોળ એકબીજાને જોડે છે. પ્રાદેશિક એક્તા અને પરસ્પર વિશ્ર્વાસ આપણને બધાને એક કરે છે. અમે દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યા છીએ. આપણા વૈશ્ર્વિક વિકાસમાં આસિયાન દેશોની વિશેષ ભૂમિકા છે. આસિયાન-ભારત સમિટ બાદ વડાપ્રધાન મોદીએ ૧૮મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ અહીં એમ પણ કહ્યું કે આસિયાન ભારતની પૂર્વ નીતિનું કેન્દ્ર છે. અમારું સૂત્ર છે વસુધૈવ કુટુંબકમ એટલે કે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય. ભારતમાં આયોજિત જી૨૦ની ભાવનાની થીમ પણ આ જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ૫ મિનિટના સંબોધનમાં કહ્યું – ૨૧મી સદી એશિયાની સદી છે; વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર એ આપણો મંત્ર છે.તેમણે વધુમાં કહ્યું- ભારતના ઈન્ડો પેસિફિક ઈનિશિએટિવમાં પણ આસિયાનનું આગવું સ્થાન છે. આસિયાન એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રીય આધારસ્તંભ છે. આજે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાના વાતાવરણમાં આપણો પરસ્પર સહયોગ વધી રહ્યો છે. આપણી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે. સંબોધન પછી પીએમ ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને સંગીતનાં વાજિંત્રો પણ વગાડ્યાં. જાકાર્તામાં પીએમ મોદીના આગમન પર કાલાકારોએ પરંપરાગત ઇન્ડોનેશિયન નૃત્ય રજૂ કર્યું
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૨૨-૨૩માં ભારત અને આસિયાન દેશો વચ્ચે ૧૦ લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલાં ૯ આસિયાન સમિટમાં ભાગ લીધો છે. આ વખતે ઈન્ડોનેશિયાએ આસિયાન સમિટ દરમિયાન એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેને ઈન્ડો પેસિફિક ફોરમ નામ આપવામાં આવ્યું છે. આ મંચ દ્વારા આસિયાન દેશો ઈન્ડો-પેસિફિકમાં તેમનાં લક્ષ્યો અંગે અભિપ્રાય આપશે, જેમાં ઈન્ડો-પેસિફિકમાં આસિયાન દેશોની કનેક્ટિવિટી વધારવા માટે ચર્ચા કરવામાં આવશે.
હાલમાં જ ચીને એક નકશો જાહેર કર્યો હતો, જેના પર માત્ર ભારત જ નહીં, પરંતુ ઘણા આસિયાન દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. ફિલિપિન્સ, વિયેતનામ, મલેશિયા અને તાઈવાને પણ ચીનના વિવાદાસ્પદ નકશાનો વિરોધ કર્યો છે. તેમણે દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાને ફગાવી દીધો છે. ફિલિપિન્સે કહ્યું- ચીને જવાબદાર નિર્ણય લેતા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ. મલેશિયાએ નકશાને લઈને રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે.
નકશામાં ચીને હૈનાન દ્વીપની દક્ષિણે ૧૫૦૦ કિમી દૂર આકારની રેખા દર્શાવી છે. આ લાઇન વિયેતનામ, ફિલિપિન્સ, બ્રુનેઇ અને ઇન્ડોનેશિયાના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રોમાંથી પસાર થાય છે. ચીનના આ નવા નકશામાં વધુ ભૌગોલિક વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. તેમાં ૧૦ ડેશ લાઇન છે, જેના દ્વારા ચીને તાઇવાનને પોતાનો ભાગ બતાવ્યો છે. આ નકશો ૧૯૪૮માં બહાર પાડવામાં આવેલા નકશા જેવો જ છે.
ભારતે ગયા વર્ષે જ આશિયાન દેશો સાથે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કારણે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્ત્વની છે. વાસ્તવમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પછી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બને છે. આ હેઠળ, સંરક્ષણ, આર્થિક અને તકનીકી હિતોને વધારવા માટે સાથે મળીને કામ કરવામાં આવે છે, સાથે જ આ ક્ષેત્રમાં ચીનનો મુકાબલો કરવા માટે ભારત આસિયાન દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યો છે.