આસારામની પત્નિ-પુત્રીને પણ જેલ થશે? હાઈકોર્ટે નોટીસ ફટકારી

અમદાવાદ, યૌન શોષણ-બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુનાં પત્નિ પુત્રી તથા ત્રણ મહિલા અનુયાયીઓને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. આ કેસમાં અગાઉ તેઓને મુક્ત કરાયા હતા જયારે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીસ એ.વાય. કોગજે તથા જસ્ટીસ હસમુખ સુથારની ડીવીઝન બેંચે આસારામની પત્નિ લક્ષ્મીબેન તથા પુત્રી ભારતી સહીત પાંચને નોટીસ જારી કરી છે.

અપીલ દાખલ કરવામાં ૨૯ દિવસનાં વિલંબની નોંધ કરીને પ્રતિવાદીઓને નોટીસ ફટકારવામાં આવી છે. ગાંધીનગરની એક અદાલત દ્વારા ૨૦૧૩ માં યુવતી પર બળાત્કારનાં કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પીડીતા આશ્રમમાંથી નાસી છુટી તે પૂર્વે ૨૦૦૧ થી ૨૦૦૭ દરમ્ન અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

તેમની પત્નિ-પુત્રી પર મદદગારી તથા ઉશ્કેરણીઓનો આરોપ હતો જોકે પુરાવાના અભાવે તેઓને છોડી મુકવામાં આવ્યા હતા. રાજય સરકારે આ ચુકાદા સામે અપીલ કરવાનો નિર્ણય લીધો હતો અદાલતે છોડી મુકેલ ૬ માંથી ૫ સામે અપીલ દાખલ કરવામાં આવી છે.૮૧ વર્ષીય આસારામ ૨૦૧૩ થી જોધપુર જેલમાં છે.