ગોવાહાટી, આસામમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના દેરાગાંવમાં ૪૫ લોકોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, ૨૭ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
પોલીસનું કહેવું છે કે બસમાં બેઠેલા લોકો પિકનિક પાર્ટી માટે અઠખેલિયાથી બાલીજાન તરફ જઈ રહ્યા હતા. બસ રસ્તામાં એક ટ્રક સાથે અથડાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે બસની મુસાફરી સવારે ૩ વાગ્યે શરૂ થઈ હતી. રસ્તામાં તે કોલસા ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી.
પોલીસે કહ્યું, “ફોર લેન હાઈવેના ક્ષતિગ્રસ્ત ભાગને કારણે ટ્રક જોરહાટથી ખોટી દિશામાં આવી રહી હતી, જ્યારે બસ જમણી લેનમાં હતી. સવારે ધુમ્મસ હતું અને બંને વાહનોની સ્પીડ વધુ હતી.અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને બચાવકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને જોરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.