ગોવાહાટી,
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર કોંગ્રેસ અને સામ્યવાદીઓ પર પ્રહાર કર્યા છે. સીએમ હિમંતા બિસ્વાએ ફરી એકવાર મદરેસાઓને બંધ કરવાના તેમના અભિયાનને હવા આપી છે અને એલાન કર્યું છે કે, તેઓ અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ મદરેસા બંધ કરી ચૂક્યા છે. મારો સંકલ્પ રાજ્યની તમામ મદરેસાઓને તાળા લગાવવાનો છે. લોકોને શિક્ષણ માટે મદરેસાની જરૂર નથી પરંતુ શાળા, કોલેજ અને યુનિવર્સિટીની જરૂર છે.
બાંગ્લાદેશીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો આસામમાં આવીને અમારી સભ્યતા અને સંસ્કૃતિ માટે જોખમ ઉભુ કરે છે. સીએમ સરમાએ કર્ણાટકના બેલગાવીમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા આ કહ્યું હતું.
કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમ હિમંતા બિસ્વાએ કહ્યું કે, તે આજની નવી મુઘલ પાર્ટી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ફરીથી ભારતને નબળું પાડવાનું કામ કરી રહી છે. અગાઉ મુઘલોએ દેશને નબળો પાડ્યો હતો. કોંગ્રેસ આજનું નવું મુઘલ છે. તેમણે એમ પણ કહ્યું કે, રામ મંદિર બને ત્યારે તેમને વાંધો છે. તેમણે કોંગ્રેસને પ્રશ્ર્ન પણ પૂછ્યો કે, તમે મુઘલોના સંતાનો છો?
સીએમએ મદરેસાઓ અંગે કહ્યું કે, આજે લોકોને મદરેસાની નહીં પણ શાળા, કોલેજ અને યુનિવર્સિટીની જરૂર છે. પરંતુ કોંગ્રેસ અને સામ્યવાદીઓ બતાવવા માંગે છે કે, ભારતનો ઈતિહાસ બાબર, ઔરંગઝેબ અને શાહજહાંનો છે. તેમણે કહ્યું કે, ભારતનો ઈતિહાસ મુસ્લિમ આક્રમણકારોથી નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદ સિંહથી જાણીતો છે.
તેમણે એ મુદ્દો પણ જોરથી ઉઠાવ્યો કે, દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ક્યારેય ઔરંગઝેબના શાસનમાં નહોતા પરંતુ સામ્યવાદી ઈતિહાસકારો એ બતાવવાનો પ્રયાસ કરે છે કે, સમગ્ર ભારત ઔરંગઝેબના નિયંત્રણમાં હતું. આજે આપણે નવો ઈતિહાસ લખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ઔરંગઝેબ આપણી ’સનાતન’ સંસ્કૃતિને નષ્ટ કરી શકે તેમ નથી. ભારત આજે ’સનાતન’ છે અને હિન્દુ છે અને રહેશે. ઔરંગઝેબે આખું ભારત કબજે કર્યું હતું તે સાચું ન હતું.
તેમણે વધુમાં કહ્યું કે, આજે ગર્વ સાથે કહેવામાં આવે છે કે, હું મુસ્લિમ, ઈસાઈ છું અને મને તેનાથી કોઈ વાંધો નથી. પરંતુ આપણને એવી વ્યક્તિની જરૂર છે જે ગર્વથી કહી શકે કે હું હિંદુ છું. ભારતને આજે આવા વ્યક્તિની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસથી વિપરિત ભાજપ મંદિરો બાંધવામાં માને છે તેને તોડવામાં નહીં.