
ગુવાહાટી, આસામમાં રૂ. ૧૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસને મળેલી એક મોટી સફળતામાં આ કેસમાં ચાર ડ્રગ ડીલરોની ધરપકડ કરાઇ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમાએ ’એકસ’ પર તેમની પોસ્ટમાં આસામ પોલીસની પ્રશંસા કરી હતી અને રાજ્યમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડાયું હોવાનું કહ્યું હતું.
આ ઓપરેશન આસામ પોલીસ અને કરીમગંજ જિલ્લા પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.આ ડ્રગ્સ મિઝોરમથી આસામમાં લાવવામાં આવ્યું હતું અને ધરપકડ કરાયેલા ચારમાં તે રાજ્યના ત્રણ લોકોનો સમાવેશ થાય છે તેમ પોલીસે જણાવ્યું છે. બજાર મૂલ્યની દૃષ્ટિએ પૂર્વ ભારતમાં કદાચ આ સૌથી મોટી ડ્રગ જપ્તી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની માર્કેટમાં ઓછામાં ઓછી કિંમત ૧૦૦ કરોડ રૂપિયા છે તેમ જણાવતાં એસટીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર પાર્થસારથી મહંતાએ ઉમેર્યું હતું કે આસામ પોલીસ દ્વારા સતત અને અસરકારક કાર્યવાહીને કારણે માદક દ્રવ્યોના ભાવમાં વધારો થયો છે.
આ ઓપરેશન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મહંતાએ ઉમેર્યું હતું કે ’અમને મિઝોરમમાંથી ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળી હતી અને ઓપરેશન શરૂ કર્યું હતું. અમે મિઝોરમના નેમ પ્લેટની કારને સાંજે ૨:૧૫ કલાકે સુપરકંડી નજીક આંતરી હતી. પોલીસની ટીમે વાહનની તલાશી લીધી હતી અને ૫.૧ કિલોગ્રામ હેરોઇન, ૬૪,૦૦૦ યાબા ટેબ્લેટ્સ અને ચાર પેકેટ્સ વિદેશી સિગારેટ્સ મળી આવ્યા હતા.’ ધરપકડ કરાયેલા ચારમાં મિઝોરમની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અન્ય બે લોકો સાથે મિઝોરમના થેન્ઝાવલના વિસ્તારના છે જ્યારે ચોથો આરોપી કરીમગંજનો રહેવાસી છે, તેમ ડીઆઈજીએ જણાવ્યું હતું.