આર્યન ડ્રગ કેસમાં સમીર પર લાંચ લેવાનો આરોપ

મુંબઇ, એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનું કહેવું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નામે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.વાનખેડેએ મુંબઈ પોલીસને જણાવ્યું કે તેને નકલી ટ્વિટર એકાઉન્ટથી ધમકીઓ મળી રહી છે. જે બાદ વાનખેડેએ મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.

વાનખેડે હાલમાં લાંચ માંગવાના આરોપોથી ઘેરાયેલા છે. સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનને છોડાવવાના બદલામાં સમીરે ૨૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી . સીબીઆઈએ  આ મામલામાં વાનખેડે સહિત ૫ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જોકે, ધરપકડ ટાળવા માટે વાનખેડેએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે તેમની ધરપકડ પર ૮મી જૂન સુધી રોક લગાવી હતી.

સીબીઆઈએ ૨૦ અને ૨૧ મેના રોજ સમીર વાનખેડેની ૧૧ કલાક પૂછપરછ કરી હતી. તેઓ સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી સીબીઆઈ ઓફિસમાં રહ્યા હતા. અંદર જતાં તેમણે મીડિયાની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા. બીજા દિવસે સવારે ૧૦.૩૦થી સાંજે ૫ વાગ્યા સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. બંને દિવસે એક્સાથે લગભગ ૧૧ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.

વાનખેડેએ ૧૯ મેના રોજ બોમ્બે હાઈકોર્ટમાં શાહરૂખ ખાન સાથે ચેટ રજૂ કરી હતી. જેમાં શાહરૂખ વાનખેડેને કહી રહ્યો છે કે તેના પુત્રને જેલમાં ન નાખે. શાહરૂખે કહ્યું કે આર્યન જો જેલમાં જશે તો તે તૂટી જશે. તેણે વાનખેડેને વિનંતી કરી કે કૃપા કરીને મારા પુત્રને ઘરે મોકલો.