‘આર્ટિકલ ૩૭૦ પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ર્ન જ નથી’  સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં કલમ 370ને બાબતે દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. 8 ઓગસ્ટના રોજ થયેલી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે કોર્ટ નિર્ણય કરશે કે તેને નાબૂદ કરવી બંધારણીય હતું કે નહિ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ તેના રહેવાસીઓના હિત સુનિશ્ચિત કરી શકાય છે.

યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ થવાના નિર્ણયને ‘બ્રેક્ઝિટ’ કહેવામાં આવે છે. બ્રિટનમાં રાષ્ટ્રવાદી ઉત્સાહમાં વધારો, કડક ઇમિગ્રેશન નિયમો અને મુશ્કેલીગ્રસ્ત અર્થતંત્રને કારણે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થયું હતું. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચની ટીપ્પણી ત્યારે આવી જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું જ પગલું છે, જ્યાં બ્રિટિશ નાગરિકોના લોકમતમાંથી નિર્ણય લેવામાં આવ્યો હતો.

સિબ્બલ નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન વતી હાજર થયા હતા, જેમણે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકાર્યો હતો. સિબ્બલે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ગેરહાજરીમાં કલમ 370 નાબૂદ કરવાની સંસદની શક્તિ પર વારંવાર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સતત એવું જણાવ્યું કે કલમ 370 નાબૂદ કરવાની અથવા તેમાં ફેરફાર કરવાની ભલામણ કરવાની સત્તા માત્ર બંધારણ સભાને જ હતી અને બંધારણ સમિતિની મુદત 1957માં પૂરી થઈ ત્યારથી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીય જોગવાઈને કાયમી માનવામાં આવી હતી.

કપિલ સિબ્બલની દલીલો પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, “બંધારણીય લોકશાહીમાં લોકોના અભિપ્રાય જાણવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જોઈએ. તમે બ્રેક્ઝિટ જેવી લોકમતની પરિસ્થિતિની કલ્પના કરી શકતા નથી.” તેઓ સિબ્બલના મત સાથે સહમત હતા કે બ્રેક્ઝિટ એક રાજકીય નિર્ણય હતો, પરંતુ આપણા દેશના બંધારણ હેઠળ જનમત લેવાનો કોઈ પ્રશ્ન જ નથી.