દાહોદ, ગુનાના આરોપીઓની વધુ પુછપરછ ન કરવા, તેમજ ગુનાની તટસ્થતાથી તપાસ ન કરવાના હેતુસર એક વ્યક્તિએ પોતાના મોબાઈલ પરથી દાહોદ જીલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારીને ફોન પર વારંવાર ધમકીભર્યા અવાજે વાતચીત કરી ફોન પર જ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સુરપાળસિંહ ઠાકોર નામના અજાણ્યા વ્યક્તિએ ગત તા. 20-5-2023ના રોજ રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે ફતેપુરા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારી પી.એસ.આઈ ગોપાલભાઈ કરશનભાઈ ભરવાડને તેના પોતાના નંબરના મોબાઈલ ફોન પરથી ફોન કરી હું પોતે સુરપાલસિંહ ઠાકોર બોલી રહ્યો છું અને ગુનાના કામના આરોપીઓને તમે બહાર કેમ કાઢો છો ? તમારા પોલીસ સ્ટેશનમાં લગાડેલા સીસીટીવી કેમેરા જોઈ રહ્યું છું, તેમ કહેતા પીએસઆઈ જી.કે.ભરવાડે જણાવેલ કે, તપાસ અર્થે આરોપીને લોકપમાંથી બહાર કાઢીએ છીએ અને તે રિમાન્ડ પર છે અને આ મામલે તમારે શુ લેવાદેવા છે તેમ કહેતા સુરપાલસિંહ ફોન પર ઉશ્કેરાયો હતો હું તમારા પોલીસ સ્ટેશનની તમામ ગતિવિધિઓ હું જોઈ રહ્યો છું તમે પોલીસ સ્ટેશનમાં શુ કરો છો તે તમામ મારા ધ્યાન પર છે. જો હવે ફરીથી અમારા સગા રણજીતસિંહ ઠાકોર અને હિમ્મતસિંહ ઠાકોરને જો લોકપમાંથી બહાર કાઢ્યા છે, તો મજા નહી આવે તેમ જણાવી ફોન પર વારંવાર ગર્ભીત ધમકીભર્યા અવાજે હેતુસર ગુનાના આરોપીઓની વધુ પુછપરછ ન કરવા તેમજ ગુનાની તટસ્થાથી તપાસ ન કરવા ધમકીઓ આપી રાજ્ય સેવકની સરકારી ફરજમાં અડચણ ઉભી કરી હતી.
આ સંબંધે ફતેપુરા પી.એસ.આઈ ગોપાલભાઈ કરસનભાઈ ભરવાડે નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલીસે સુરપાળસિંહ ઠાકોરના નામના ઈસમ વિરૂધ્ધ 186, 189, 506, 507 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.