આરોપી નીલમને આંચકો, પોલીસ રિમાન્ડ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ૧૩ ડિસેમ્બરે સંસદ સુરક્ષા ભંગ કેસમાં ધરપકડ કરાયેલી મહિલા નીલમની અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. નીલમે પોતાની અરજીમાં પોલીસ રિમાન્ડને ગેરકાયદે ગણાવ્યો હતો. નીલમે આરોપ લગાવ્યો કે તેણીને પોતાનો વકીલ પસંદ કરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, જે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીમાં પોતાનો પક્ષ રજૂ કરી શકે. નીલમે પોતાની અરજીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

જસ્ટિસ નીના બંસલ કૃષ્ણા અને શાલિન્દર કૌરની વેકેશન બેન્ચ સમક્ષ તેમના વકીલ દ્વારા તાત્કાલિક સુનાવણી માટે આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ, બેન્ચે કહ્યું કે આ મામલે કોઈ તાત્કાલિક સુનાવણી થશે નહીં. બેન્ચે કહ્યું, “કોઈપણ સંજોગોમાં ૩ જાન્યુઆરીએ તેના પર વિચાર કરવામાં આવશે. કોઈ ઉતાવળ નથી. તે જ સમયે, નીલમના વકીલે કહ્યું કે તેણે તેના રિમાન્ડ ઓર્ડરને પડકાર્યો છે અને તેની પોલીસ કસ્ટડી ૫ જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે. વિનંતીને નકારી કાઢતાં, કોર્ટે જવાબ આપ્યો કે રિમાન્ડ પૂરા થાય તે પહેલાં સુનાવણી હાથ ધરવા માટે હજી પૂરતો સમય છે.

માહિતી માટે, તમને જણાવી દઈએ કે, ૨૧ ડિસેમ્બરે સુનાવણી દરમિયાન, કોર્ટે સંસદમાં તાજેતરમાં સુરક્ષા ભંગને લઈને દિલ્હી પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ નોંધાયેલા યુએપીએ કેસમાં ચાર આરોપીઓને ૧૫ દિવસની વધારાની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. સાત દિવસની પોલીસ કસ્ટડીની મુદત પુરી થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું કે સાત દિવસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.