મહિસાગર, મહીસાગર જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય માટે સાયકલની થીમ સાથે 3 જૂન વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ફુવારા ચોકથી લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર સુધી સાયકલ રેલીને આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થતિમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી આર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મહીસાગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે બિન ચેપી રોગો જીવન શૈલી આધારિત રોગો (એનસીડી) થવા માટે શારીરિક નિષ્ક્રિયતાએ મુખ્ય જોખમી પરિબળોમાનું એક છે. નેશનલ એનસીડી મોનીટરીંગ સર્વે (એનસીડી) 2017-18 દરમિયાન 41.3 ટકા ભારતીયોમાં શારીરિક પ્રવુત્તિઓનો અભાવ જોવા મળે છે. શારીરિક પ્રવુત્તિ તથા સ્વાસ્થ્ય લાભમાં બિનચેપી રોગો જીવન શૈલી આધારિત રોગો (ગઈઉત) ના જોખમમાં થતો ઘટાડો એટલું જ નહીં પણ માનસિકતા પર હકારાત્મક અસર સાથે માનસિક ઉન્માદની પરિસ્થતિમાં પણ ઘટાડો કરે છે અને આરોગ્ય સુખાકારીને પ્રોત્સાહન આપે છે.
3જી જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી વાહન વ્યવહાર દ્વારા શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા સમગ્ર જીલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો પર સાયકલ રેલીનું આયોજન કરાયું છે.
આ સાયકલ રેલીમાં એડીએચઓ ડો.સી આર પટેલિયા, ડી કયુંએમઓ ડો. બી આર પંચાલ, ઈએમઓ ડો. એન એસ ગોસાઇ, ટીએચઓ ડો. સુમિત્રા પંચાલ, ડી એલ ઓ ડો. રવિ શેઠ સહિત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરનો તમામ સ્ટાફ તેમજ બાળકોએ સાયકલ રેલીમાં જોડાઈને આરોગ્ય માટે સાયકલની થીમ સાકાર કરી હતી.