આર્મી જવાનને અંતિમ વિદાય અપાઈ,મહેસાણાના વડનગરથી સુલીપુર સુધી અંતિમયાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા

મહેસાણા,મહેસાણા જિલ્લાના સુલીપુરાના આર્મી જવાનનું સિક્કિમમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મોત નીપજતાં આજે તેમના પાથવદેહને વતનમાં લાવવામાં આવ્યો હતો. વડનગરથી લઈ સુલીપુર સુધી અંતિમયાત્રા યોજવામાં આવી હતી. અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં ગામલોકો જોડાયા હતા અને ’વંદે માતરમ’…’ભારત માતા કી જય’…ના નારા લાગ્યા હતા. આર્મીમેનનાં પત્નીએ અંતિમ સલામી આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલીપુર ગામના ૨૬ વર્ષીય રાયસંગજી ઠાકોર ઈન્ડિયન આર્મીમાં સિક્કિમમાં ફરજ બજાવતા હતા. ૬ દિવસ પહેલાં સિક્કિમની તીસ્તા નદીમાં અકસ્માતે આર્મીની ટ્રક ખાબક્તાં રાયસંગજી લાપત્તા બન્યા હતા. ત્યાર બાદ આર્મી દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવતાં ચાર દિવસ બાદ રાયસંગજીનો મૃતદેહ મળ્યો હતો. આર્મીમેન રાયસંગજીના પાર્થિવદેહને આજે વડનગર લાવવામાં આવતાં વડનગરથી સુલીપુર ગામ સુધી અંતિમયાત્રા નીકળી હતી. વડનગરના તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા. સુલીપુર અને આસપાસના અન્ય ગામના લોકો પણ રાયસંગજીના અંતિમદર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ હાજર રહ્યા હતા.

રાયસંગજી ઠાકોરના પાર્થિવદેહને આજે સુલીપુર ગામમાં લાવવામાં આવતાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આર્મીમેન રાયસંગજી ઠાકોરનાં પત્ની અસ્મિતાબહેને પતિને અંતિમ સલામી આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી. રાયસંગજી ઠાકોરના અન્ય પરિવારજનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રાયસંગજી ઠાકોર છેલ્લે ૨૪ ડિસેમ્બરે પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ૧૫ દિવસ રોકાયા હતા અને ૯ જાન્યુઆરીએ પરત ફરજ પર ગયા હતા. પરિવારમાં લગ્ન હોવાથી તેઓ ૧૦ એપ્રિલે પાછા આવવાનું કહીને ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે ૧૦ એપ્રિલે તેઓ પરત આવે એ પહેલા જ તેમનો પાર્થિવદેહ ઘરે આવશે.

સુલીપુર ગામમાં રહેતા સવાજી ઠાકોરના દીકરા અને આર્મી જવાન એવા રાયસંગજીએ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ સેનામાં ફોર્મ ભર્યું હતું. રાયસંગજીએ આ પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી લેતાં તેમની ૨૦૧૭માં આર્મીમાં પસંદગી થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું. જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેમનું સિક્કિમમાં પોસ્ટિંગ થયું હતું, જ્યાં યુનિટ-૫૧૭, બટાલિયન એએસસીમાં તેઓ ફરજ બજાવતા હતા.