આપે જેના પર દાવ લગાવ્યો તે ઈસુદાન-ઈટાલિયા-કથીરિયા હાર્યા, તો ૩ નેતાઓએ જીતીને લાજ રાખી

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ત્રીજો મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીનુ સૂરસૂરિયુ નીકળી ગયું છે. ચૂંટણી પરિણામોમાં આપના સૂપડા સાફ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના મોટા માથા કહેવાતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા ભૂંડી રીતે હાર્યા છે. આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ ની ચૂંટણી આ ત્રણેય ઉમેદવારોના દામ પર લડી હતી, પરંતું આ ત્રણેય ઉમેદવારો ગુજરાતની જનતા પર જાદુ ન કરી શક્યા. તો બીજી તરફ, જ્યાં આશા ન હતી, ત્યાં આપનુ ઝાડું ફર્યુ છે. જામજોધપુર અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે.

આમ આદમી પાર્ટીએ જેમને મુખ્યમંત્રીનો ચહેરો તરીકે માર્કેટિંગ કર્યું, અને જામખંભાળિયાથી ચૂંટણી લડાવી, એ જ ઈસુદાન ગઢવી ભુંડી રીતે હાર્યાં છે. ભાજપના ઉમેદવાર ઈસુદાન ગઢવી સામે ૨૫ હજાર લીડથી આગળ છે. ગોપાલ ઈટાલિયા આપના પ્રદેશ અધ્યક્ષ હતા, જેઓ ક્તારગામથી મેદાને ઉતર્યા હતા. પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા સામે જીતી ન શક્યા. આહી ગોપાલ ઈટાલિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ગોપાલ ઇટાલિયાને ૪૫૨૪૨ મત મળ્યા છે. જ્યારે વિનુ મોરડિયાને ૯૬૪૬૯ મત મળ્યા છે. આ સાથે ભાજપ ઉમેદવાર વિનુ મોરડિયાએ ૧૫ રાઉન્ડના અંતે ૫૧ હજારથી વધુ મતની લીડ નોંધાવી છે. ક્તારગામ બેઠક પર આપને જીતની આશા હતી. પરંતુ આપની આશા ઠગારી નીવડી.

તો કાકા કહીને કુમાર કાનાણી સામે પડનાર અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાની હાર બાદ ડાયલોગ ઉઠ્યો કે, કાકા સામે ભત્રીજાની હાર. આ બેઠક પર પણ આપની મજબૂત પકડ હોવાનુ ચર્ચાતુ હતુ, પરંતુ અંતે કુમાર કાનાણીની જીત થઈ. વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને ૧૭ રાઉન્ડના અંતે ૬૬૭૮૫ મત મળ્યા હતા. તેની સામે અલ્પેશ કથીરિયાને ૫૦૦૩૧ મત મળ્યા છે. જોકે, બહુ જ ઓછા માજનથી કુમાર કાનાણી જીત્યા છે.

જો કે જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈનો વિજય થયો છે. તેઓને ૫૫ હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે ૪૯% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ ૩૮% થી વધારે મત મેળવ્યા હતા. બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની જીત થઈ છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીનો વિજય થયો છે. તો બે બેઠક પર હજી પણ આમ આદમી પાર્ટી લીડમાં છે.