લોકસભાની ચૂંટણીનો માહોલ હવે ગરમાયો છે. ભાજપ છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરે છે, કોંગ્રેસમાં ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યુ છે. આ પહેલા આપે ગુજરાતમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની બે લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભરૂચ પર ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પોતાના બે ધારાસભ્યોને જ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.
આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપી છે. આ બંને ધારાસભ્યો હજી સુધી આમ આદમી પાર્ટીમાં અડીખમ છે. તેથી પાર્ટીએ તેમને વિધાનસભા બાદ લોકસભા લડાવવાનો નિર્ણય કર્યો છે. ચૈતર વસાવા તાજેતરમાં જ લાંબી લડત બાદ જેલમુક્ત થયા છે. ત્યારે ભાજપ દ્વારા ચૈતર વસાવાને પોતાની તરફ આકર્ષવાનો અનેક રીતે પ્રયાસ કરાયો છે. છતા ચૈતર વસાવા ટસના મસ થયા નથી. ભાજપને જે એક બેઠક ગુમાવવાનો ડર લાગી રહ્યો છે, તેમાં ભરૂચ બેઠક પણ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પાણી પહેલા પાળ બાંધીને ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ, ઉમેશ મકવાણાનું નામ પણ અનેકવાર ભાજપ જવા અંગે ચર્ચાઈ ચૂક્યું છે. ત્યારે પાર્ટીએ તેમના નામની જાહેરાત થતા તેમની પક્ષપલટાની વાતો પર પૂર્ણવિરામ મૂકાયું છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી પાસે 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમને ટેકો આપશે. તેમણે છેલ્લા એક મહિનામાં ભારત ગઠબંધનની એક પણ બેઠક ન મળવા પર નારાજગી વ્યક્ત કરી છે.
આમ આદમી પાર્ટીએ ગોવા, આસામ અને ગુજરાતથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે આપના સાંસદ સંદીપ પાઠકે પાર્ટીની પોલિટિકલ અફેર કમિટીની બેઠક બાદ ઈન્ડિયા ગઠબંધન સાથે સીટ શેરિંગને લઈને ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, યોગ્યના આધાર પર કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં એક પણ સીટની હકદાર નથી. પરંતું ગઠબંધનના ધર્મને ધ્યાનમાં રાખતા, તેમણે દિલ્હીમાં એક સીટ આપી છે.