૧૭ મહિના પછી જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા છે. કેજરીવાલ અને તેમની સરકારના વખાણ કરવાની સાથે સિસોદિયાએ ભાજપ પર પણ નિશાન સાયું છે. મનીષ સિસોદિયાએ રવિવારે કહ્યું કે બીજેપીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી સમસ્યા છે કારણ કે તેમણે ૨૦ વર્ષમાં તેમની સરકારો જે કરી શકી નથી તેના કરતા વધારે કામ તેમણે ૮ વર્ષમાં કર્યું છે.
દેવલી વિધાનસભા ક્ષેત્રમાં પદયાત્રામાં ભાગ લઈ રહેલા સિસોદિયાએ કહ્યું કે કેજરીવાલ સમગ્ર દેશમાં લોકપ્રિય છે કારણ કે તેમણે શાળાઓ બનાવી છે. સિસોદિયાએ કહ્યું કે, ’અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે જેમણે વીજળીનું બિલ માફ કર્યું છે, જ્યારે બાકીની દુનિયા અને દેશમાં વીજળી મોંઘી થઈ રહી છે. તેમણે સરકારી હોસ્પિટલોમાં મફત સારવારની વ્યવસ્થા કરી.
સિસોદિયાએ દિલ્હી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, ’ભાજપને એક સમસ્યા છે કે અરવિંદ કેજરીવાલે પોતાના ૭-૮ વર્ષમાં એટલું કામ કર્યું છે, જે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમના ૨૦ વર્ષના શાસનમાં પણ નથી કરી શક્યા. દેશમાં એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં તેણે વીજળીનું બિલ ’શૂન્ય’ કર્યું હોય કે સરકારી શાળાઓમાં સુધારો કર્યો હોય. એટલા માટે આ લોકો અરવિંદ કેજરીવાલથી ડરે છે, એટલા માટે કેજરીવાલને જેલમાં ધકેલી દીધા.
તમને જણાવી દઈએ કે કેજરીવાલના સહયોગી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી એક્સાઈઝ પોલિસી કેસમાં ૧૭ મહિના જેલમાં વિતાવ્યા બાદ ૯ ઓગસ્ટના રોજ જામીન પર બહાર આવ્યા હતા. તે હવે દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફરે છે અને કેજરીવાલ સરકારની નીતિઓ અને કામોની ગણતરી કરી રહ્યો છે