નવીદિલ્હી, દારુ કૌભાંડના આરોપસર ઈડીએ ગત તા. ૫ ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના સાંસદ અને મોટા નેતા સંજય સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં ૧૦ દિવસની કસ્ટડી માંગ કરતા કોર્ટે ૧૦ને બદલે ફક્ત ૫ દિવસ તેમની કસ્ટડી મંજૂર આપી હતી. જેની મર્યાદા આજે પૂર્ણ થતાં દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી આપ સાંસદ સંજય સિંહને ફરી આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે ઈડી દ્વારા કોર્ટ સમક્ષ સંજય સિંહના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેને લઈને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર મંજૂરીની મહોર લગાવી છે. હવે સાંસદ ૧૩મી ઓક્ટોબર સુધી ED રિમાન્ડમાં રહેશો. ઈડીએ કોર્ટ સમક્ષ એવું પણ કહ્યું હતું કે લાંચ લેવાના નહિ પરંતુ લાંચ માંગવાના પુરાવા સામે આવ્યા છે. દારૂના લાયસન્સ માટે લાંચ માંગવામાં આવી હતી.
દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઈડીની ઝપટે ચઢ્યાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને કેજરીવાલના ખાસ મનીષ સિસોદીયાની પણ ઈડી દ્વારા ધરપકડ કરાઈ હતી. સિસોદીયા હાલમાં તિહાડ જેલમાં કેદ છે. સિસોદીયા પહેલા આપ નેતા અને તે વખતના મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ અને ઈડી બન્નેએ દારુ કૌભાંડમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહની ધરપકડ કરી છે. બીજા નેતાઓ પણ ઈડીની ઝપટમાં ચઢી શકે છે.
દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આરોપ છે કે કેજરીવાલ સરકારે એક નવી આબકારી નીતિ લાવીને માનીતાને ફાયદો કરાવ્યો હતો અને મનમાની રીતે દારુની દુકાનોના લાઈસન્સ ફાળવ્યાં હતા જેના બદલમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ અપાયું હતું.