આપ પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને ઈડીનું સમન્સ,પૂછપરછ માટે બોલાવ્યા

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના વધુ એક નેતા દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે. આ કેસમાં આપના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકનું નામ પણ સામે આવી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેમને ઈડી ઓફિસમાં બોલાવ્યા છે. મનીષ સિસોદિયા, સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલ બાદ હવે દુર્ગેશ પાઠક પર ઈડી પોતાની પકડ વધુ કડક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની સાથે દુર્ગેશ પાઠકનું નામ પણ દારૂ નીતિ કૌભાંડ કેસમાં સામે આવી રહ્યું છે. કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારની ED હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પહેલાથી જ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને દુર્ગેશ પાઠકની પૂછપરછ કરી ચૂક્યું છે. હવે ઈડીએ દુર્ગેશ પાઠકનો મોબાઈલ જપ્ત કર્યો છે. તેમને આજે બપોરે ૨ વાગ્યે ઈડી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર ૨૦૨૨માં જ્યારે ઈડીએ વિજય નાયરના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે દુર્ગેશ પાઠક પણ તેમની સાથે હાજર હતા.

આપને જણાવી દઈએ કે આપના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠક ગોવાની ચૂંટણીમાં પાર્ટીના પ્રભારી હતા. હાલમાં તેઓ દિલ્હીના રાજીન્દર નગરથી ધારાસભ્ય છે. બિભવ કુમાર બાદ ઈડી દુર્ગેશ પાઠકની પણ પૂછપરછ કરવા માંગે છે. તેઓ પાર્ટીના જૂના નેતા છે અને શરૂઆતથી જ આપ સાથે જોડાયેલા છે.