‘આપ’નો મરણિયો પ્રયાસ: પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવતા પોસ્ટરો લગાવ્યા

નવીદિલ્હી,આમ આદમી પાર્ટી (આપ) દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં ૧૧ ભાષાઓમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ પોસ્ટર રિલીઝ કર્યાના એક દિવસ બાદ જ આવા પોસ્ટર જોવા મળ્યા છે. આપેે ૨૩ માર્ચે જંતર-મંતર ખાતે ‘મોદી હટાઓ દેશ બચાવો’ ના નારા હેઠળ એક મોટી જાહેર સભા યોજી હતી, જેને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સંબોધિત કરી હતી. હવે હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને પંજાબી ઉપરાંત, ગુજરાતી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠીમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. અગાઉ ૨૨ માર્ચે દિલ્હી પોલીસે ૧૦૦ થી વધુ એફઆઇઆર નોંધી હતી અને શહેરભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાવવા બદલ ૬ લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ૨૩ માર્ચે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વાંધાજનક પોસ્ટર લગાવનારા લોકો સામે દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

દિલ્હીના સીએમએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “પીએમ મોદી આટલા બધા શા માટે ડરે છે? શા માટે તેઓ આટલા અસુરક્ષિત છે? આ એક સામાન્ય પોસ્ટર છે જે લોકશાહીમાં કોઈ પણ આવા પોસ્ટર લગાવી શકે છે.” ધરપકડો પર પ્રતિક્રિયા આપતા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે અંગ્રેજોએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેમની વિરુદ્ધ પોસ્ટર લગાવનારાઓની ધરપકડ કરી ન હતી.