નવીદિલ્હી,
મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આજે રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં જૈન અને અન્ય બેની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમની સાથે વૈભવ અને અંકુશ જૈન પણ આરોપી છે. તેમની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જામીન ન મળવાના કારણે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. જૈન હાલમાં તિહાર જેલમાં બંધ છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. કોર્ટે આજે બપોરે ૨ વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ કોર્ટે આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો. સવારથી જ તેને જામીન મળશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી હતી. આ પહેલા કોર્ટે આદેશની તૈયારી ન થવાના કારણે નિર્ણય ટાળી દીધો હતો. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૩૦ મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જૈને કહ્યું હતું કે, મંત્રી બનવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે, નહીં તો તેમણે કશું ખોટું કર્યું નથી. તેમણે જામીન માટે તેમના સ્વાસ્થ્યના કારણો ટાંક્યા હતા. તેમણે કોર્ટને એમ પણ કહ્યું હતું કે તપાસ એજન્સીઓ (સીબીઆઈ અને ઈડી) પાસે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી, તેથી તેમને કસ્ટડીમાં ન રાખવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે.