આપ નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ,એક વિવાદિત ટ્વીટના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈસુદાન ગઢવી વિરૂદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના મનકી બાત કાર્યક્રમના ખર્ચ અંગે એક ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે- ” મન કી બાતનો એક દિવસનો ખર્ચ ૮.૩ કરોડ છે. ૧૦૦ એપિસોડના ૮૩૦ કરોડ આપણા ટેક્સના ફૂંકી માર્યા હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે.”

તેમણે આ ટ્વીટ કર્યા બાદ તેને ડિલિટ પણ કરી દીધુ હતું. પરંતુ પીઆઇબી ફેક્ટચેક નામના ટ્વીટર એકાઉન્ટે સત્ય હકીક્ત ચકાસીને ઈસુદાને રજૂ કરેલી માહિતી ખોટી હોવાનો દાવો કર્યો છે. પીઆઇબી ફેક્ટચેક પ્રમાણે, રૂપિયા ૮.૩ કરોડ એ મન કી બાત કાર્યક્રમ માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે. એક એપિસોડ માટેનો ખર્ચ કરવામાં આવ્યો નથી.

થોડા દિવસો પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ડ્રગ્સ મામલે એક ટિપ્પણી કરી હતી. આ બાદ આ મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ટિપ્પણી કરતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા.

આ સાથે તેમણે કહ્યુ હતુ કે, ગૃહમંત્રીને ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર એફઆઇઆર કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ગોપાલ ઇટાલિયાની આવી ટિપ્પણી બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.

આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો હતો કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી. મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પોલીસે આઇપીસી ૨૯૫છ અને આઇપીસી ૨૯૮ ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.