આપ નેતાએ આત્મહત્યા કરી,આ મર્ડર છે, તેમની ટિકિટ વેચી દેવાઈ : ભાજપનો આરોપ

news18.com

નવીદિલ્હી,

આમ આદમી પાર્ટી ટ્રેડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે ગુરુવારે પોતાના આવાસ પર આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના કારણનો અત્યાર સુધી ખુલાસો થયો નથી. પોલીસ દ્વારા આ કેસમાં સીઆરપીસીની કલમ ૧૭૪ હેઠળ પૂછપરછની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પરથી કોઇ સ્યુસાઇડ નોટ પણ મળી નથી. અત્યાર સુધી જ જાણકારી મળી છે, તે મુજબ સંદીપ ભારદ્વાજ બે દિવસથી પોતાના ઘરથી નીકળ્યા નહોતા.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, સંદીપ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના ટ્રેડ વિંગ દિલ્હીના સચિવ હતા અને રાજોરી ગાર્ડનમાં ભારદ્વાજ મર્બલ્સના માલિક હતા. પશ્ર્ચિમી જિલ્લાના ડીસીપી ઘનશ્યામ બંસલે જણાવ્યું કે ગુરુવારે સાંજે ૪:૪૦ વાગ્યા નજીક પોલીસને જાણકારી મળી કે સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસને પરિવારજનોએ જણાવ્યું કે, સંદીપ ખાવાનું ખાધા બાદ ઉપર પોતાના રૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ઘણા સમય સુધી નીચે ન આવ્યા તો તેમને જોવા ગયા.

ભાજપના નેતા અને સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે મારા મતે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. તેઓ ટિકિટના દાવેદાર હતા પરંતુ જે પ્રકારના પુરાવાઓ સામે આવી રહ્યા છે, તે કોઈ પણ રીતે આત્મહત્યા જેવું લાગતું નથી. જે સીટ પરથી તેઓ ચૂંટણી લડવાના હતા તે સીટ વેચી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિને આત્મહત્યા કરવા મજબૂર કરવી એ પણ હત્યા સમાન છે. રૂમમાં સંદીપ પંખા સાથે ફંદા પર લટકેલા મળ્યા. પરિવારજનોએ ઇમરજન્સીમાં તેમને હૉસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. સંદીપ ભારદ્વાજના એક મિત્રએ વાતચીત કરતા કહ્યું કે, એક કારણ એ પણ હોય શકે કે તેઓ ઘણા સમયથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીની સ્થાપનાના સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા. અહીંના ધારાસભ્ય શિવ ચરણનું કામકાજ જોતા હતા. તેમને વાયદો કરવામાં આવ્યો, પરંતુ ટિકિટ ન મળી.ક્યાંક ને ક્યાંક તે ધક્કો લાગ્યો, જેને તેઓ સહન ન કરી શક્યા. કદાચ એટલે જ આત્મહત્યા કરી લીધી. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સંદીપના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર લખ્યું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યર્ક્તા સંદીપ ભારદ્વાજજીનું આકસ્મિક મૃત્યુ ખૂબ જ દુ:ખદ છે. ઇશ્ર્વર તેમની આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. દુ:ખના સમયમાં તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ અને આખી પાર્ટી આ મુશ્કેલ સમયમાં સંદીપના પરિવારજનો સાથે ઊભી છે.

બીજી તરફ ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ આરોપ લગાવ્યો કે, અરવિંદ કેજરીવાલે સંદીપ પાસે લીધા બાદ ટિકિટ મોંઘી કિંમતે વેચી દીધી. તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યું કે સંદીપ ભારદ્વાજે ટિકિટ માટે મોટી રકમ આપી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલે વધારે કિંમત આપનારને ટિકિટ વેચી દીધી. દિલ્હીને બરબાદ કરી દીધી છે આમ આદમી પાર્ટીએ અને હવે પરિવાર પણ તૂટી રહ્યા છે.