- ભૂપત ભાયાણીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું.
જૂનાગઢ,
આમ આદમી પાર્ટીના વિસાવદરના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાઈ તેવી અટકળો વહેતી થઈ હતી. એવી પણ વાત હતી કે, કમલમમાં બપોરે ૨ વાગ્યે કેસરિયો ધારણ કરશે. શપથ વિધિ પહેલા ધારાસભ્ય દ્વારા પક્ષપલટાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાયો હતો, જોકે, હાલમાં જ ભૂપત ભાયાણીએ મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી છે. ત્યારે બે દિવસ પહેલાં ’આપ’માંથી વિજય થયા બાદ ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે, ભાજપમાં ક્યારેય નહીં જોડાઉ, જે પાર્ટીએ મને ટિકિટ આપી છે તેની સાથે ગદ્દારી નહીં કરું.
રાજ્યમાં તાજેતરમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં ભાજપે ઐતિહાસિક ૧૫૬ બેઠક જીતીને ફરી એક વખત સરકાર બનાવી છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ ૫ બેઠક મેળવી હતી. ત્યારે આજે વિસાવદરની બેઠક પર આપ પાર્ટી તરફથી ચૂંટણી લડી જીતેલા ભૂપત ભાયાણી પક્ષ પલટો કરશે તેવી ચર્ચીએ જોર પકડ્યુ હતં. જોકે, આ વાતને તેઓએ અફવા ગણાવી હતી.તેમણે કહ્યું હતું કે મેં હજુ સુધી ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો નથી વિસ્તારના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને ક્ષેત્રના વિકાસને લઇને જ કોઇ નિર્ણય લેવામાં આવશે આપનાં ધારાસભ્ય ભુપત ભાયાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, હજુ ભાજપમાં જોડાવવાનો કોઇ એવો નિર્ણય કર્યો નથી. આ વાત અફવા છે. મને પાટીલ અને પીએમ મોદીએ શુભકામના આપી છે. જેનો અર્થ એમ નથી કે હું તેમની સાથે છું. આ ઉપરાંત તેમણે જમાવ્યુ કે, મારી જનતા, ખેડૂતોને કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ. હું જોડવવાનો છું એવું હજુ સ્પષ્ટ નથી. મારે હજી મારી જનતાને મળવાનું બાકી છે. મારી જનતા જે કહેશે એ પ્રમાણે નિર્ણય કરીશ.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કૉંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં ૧૦૮ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલા જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.
વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતેલા ભુપત ભાયાણી કે જેવો એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા. પરંતુ કોઈ કારણોસર ભાજપ છોડી તેઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં ગયા પછી પોતે વિધાનસભાની ચૂંટણી પહેલા જ લોક સંપર્ક વધારી આમ આદમી પાર્ટીના વિચારો લોકોથી સમજાવ્યાં હતા. આમ આદમી પાર્ટી એ તેમનું પ્રબળ નેતૃત્વ જોઈ તેમને વિસાવદર વિધાનસભાની ટિકિટ આપી હતી. ત્યારબાદ ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ના કોઈ સ્ટાર પ્રચારક ના કોઈ સેલિબ્રિટી કે ના કોઈ જંગી સભા સંબોધી હતી. માત્ર ભેસાણ અને વિસાવદર પંથકના કરેલા કામો અને સરપંચ રહી ચૂકેલા ભુપત ભાયાણીએ લોકો વચ્ચે જઈ પોતાની કામ કરવાની કાર્ય પદ્ધતિ જણાવી હતી.અને ડોર ટુ ડોર જઇ ગામડે ગામડે લોક પ્રચાર કર્યો હતો. ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા, સમાજની વાડી માટેના કામો હોય, ગૌચરના વિકાસના કાર્યો હોય અથવા શ્રમિકોના કે ખેડૂતોના પ્રશ્ર્નો હોય કોરોના સમયમાં ભેંસાણમાં સૌ પ્રથમ કોવીડ સેન્ટર ખોલી સેવા કાર્ય કરી હજારો લોકોને મદદ કરી છે તે નિખાલસતાથી કરેલા કામને લોકોએ બિરદાવ્યા છે અને મને મત આપ્યા છે.