
મુંબઈ, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના નેતા અરવિંદ કેજરીવાલે બુધવારે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેતાં અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે ત્યારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથેની મુલાકાત એ મહારાષ્ટ્રમાં ઠાકરેના સાથી પક્ષ કોંગ્રેસને મૂંઝવણમાં મૂકવાનો એક પ્રયાસ છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ અને તેમના સાથી અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન બુધવારે કેન્દ્ર સરકારના વટહુકમ સામે આપના જંગમાં સમર્થન મેળવવા માટે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે કોંગ્રેસને મૂંઝવણમાં મૂકવાનું ઉદ્ધવ ઠાકરેનું આ ષડ્યંત્ર છે.નરેન્દ્ર મોદીનો વટહુકમ ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણને સંપૂર્ણ રીતે વળગી રહે છે. જોકે કેજરીવાલે તેમના એક નિવેદનમાં મોદીની વટહુકમ અંગે ટીકા કરી હતી અને ઠાકરે તેમનું સમર્થન કરી રહ્યા હતા, એવું શિંદે જૂથના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મહા વિકાસ આઘાડીના ગઠબંધનમાં કોંગ્રેસ અને એનસીપીએ ઉદ્ધવ ઠાકરેને ‘નાના ભાઈ’ તરીકે ઓળખાવ્યા હતા. એક તરફ ઉદ્ધવ ઠાકરે કેજરીવાલને સમર્થન આપીને ડો. તેમને રાજ્યના રાજકારણમાં એન્ટ્રી આપી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીએ આ અંગે મૌન સેવ્યું હતું, એવું શિંદે જૂથે જણાવ્યું હતું.૧૯૪૭ પછી દિલ્હીની રાજકીય સ્થિતિ કેવી રીતે બદલાઇ તેનું વર્ણન કરતાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન વટહુકમ સંપૂર્ણ રીતે બંધારણીય છે. કેન્દ્ર સરકારનો વટહુકમ રાષ્ટ્રના હિતમાં છે, જે કેજરીવાલને માન્ય નથી, એવું શિંદે જૂથે જણાવ્યું હતું.