આપના નેતા ગોપાલ ઇટાલિયા સુરતના ક્તારગામથી ચૂંટણી લડશે


અમદાવાદ,
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ ૮ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા સક્રિય બની ગયા છે. ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભા ઇલેક્શનની અંદર સુરત આવનારા દિવસની અંદર એપી સેન્ટર બની રહે તો નવાઈ નહીં. કારણકે વરાછા અને ક્તારગામ બેઠક ઉપર પાટીદાર ગઢની અંદર રસાક્સી જોવા મળી રહી છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગોપાલ ઇટાલીયા પાટીદાર વિસ્તાર એટલે કે ક્તારગામ વિસ્તાર બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા ટ્વીટ કરીને સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. ત્યાં છછઁના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. લાંબા સમયથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ હતું, ત્યારે આ સવાલ પરથી આજે પડદો ઉચકાયો છે.

જે રીતે માહિતી મળી રહે છે તે પ્રમાણે આવનારા દિવસોની અંદર ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કરવામાં કોઈ કચાસ નહીં રાખે અને વરાછા બેઠકની અંદર પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની નિમણૂક થતાની સાથે જ પ્રચાર જોર શોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.