ચંદીગઢ, છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલ ચંદીગઢ મેયર ચૂંટણીનો મામલો આજે થાળે પડ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. રિટનગ ઓફિસર અનિલ મસીહ દ્વારા ગેરકાયદે જાહેર કરાયેલા ૮ અમાન્ય મતોને સુપ્રીમ કોર્ટે માન્ય જાહેર કર્યા છે. લોક્સભા ચૂંટણી પહેલા ચંદીગઢના મેયર પદની ચૂંટણીને લિટમસ ટેસ્ટ ગણાવનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારને ૩૦ જાન્યુઆરીએ હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના ઉમેદવાર મનોજ સોનકર ૧૬ મત મેળવીને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા હતા. આનું કારણ એ છે કે ૩૬ ની મતદાન ક્ષમતા ધરાવતી આ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને મળેલા ૨૦માંથી ૮ મત રદ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર આજે એટલે કે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૧૪ કાઉન્સિલર છે. સંખ્યાબળની દૃષ્ટિએ ભાજપ સૌથી મોટો પક્ષ છે. આ પછી AAP ૧૩ કાઉન્સિલરો સાથે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસના ૭ અને શિરોમણી અકાલી દળના એક કાઉન્સિલર છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં સ્થાનિક સાંસદોને પણ મતદાન કરવાનો અધિકાર છે. ભાજપના કિરણ ખેર અહીંના સાંસદ છે.ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતવા માટે ૧૯ વોટ સુધી પહોંચવું જરૂરી હતું. ભાજપ પાસે તેના પોતાના કાઉન્સિલરો અને સાંસદના એક મત સહિત કુલ ૧૫ મત હતા. જો અપક્ષ શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરનો મત પણ ઉમેરવામાં આવે તો ભાજપનો આંકડો માત્ર ૧૬ સુધી પહોંચતો હતો. ૩૦ જાન્યુઆરીના રોજ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને એટલા જ મત મળ્યા હતા. બીજી તરફ, આમ આદમી પાર્ટીના ૧૩ અને કોંગ્રેસના ૭ કાઉન્સિલરો સહિત ૨૦ મતોની સંખ્યા હતી. મતદાન બાદ જ્યારે મતગણતરી પૂર્ણ થઈ ત્યારે જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અને AAPના સામાન્ય ઉમેદવારની તરફેણમાં પડેલા ૨૦ મતોમાંથી ૮ નકારી કાઢવામાં આવ્યા હતા. આ પછી, બંને પક્ષોના સામાન્ય ઉમેદવાર કુલદીપ કુમાર માટે માત્ર ૧૨ માન્ય મત બચ્યા હતા. આ પછી ભાજપના ઉમેદવારને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આ હારને બેઈમાન ગણાવી હતી. તેમણે કહ્યું, ’ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જે રીતે અપ્રમાણિક્તા કરવામાં આવી છે તે અત્યંત ચિંતાજનક છે. જો આ લોકો મેયરની ચૂંટણીમાં આટલા નીચા જઈ શકે છે તો દેશની ચૂંટણીમાં ગમે તે હદે જઈ શકે છે. આ ખૂબ જ ચિંતાજનક છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આમ આદમી પાર્ટીની તરફેણમાં આવ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલે આ માટે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે.