લખનૌ,
દિલ્હી અને પંજાબ બાદ હવે હવે આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પણ સત્તા હાંસલ કરવા મેદાને છે. હાવ આમ આદમી પાર્ટી ગુજરાત અને હિમાલચ પ્રદેશની ચૂંટણીમાં પુરી તાકાત સાથે ઉતરી છે ત્યારે હવે પાર્ટીએ બીજી એક મોટી જાહેરાત કરી છે. હવે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણીમાં ઝંપલાવશે.
મળતી વિગતો અનુસાર, ૨૦ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી પાર્ટી રાજ્યની ૭૬૩ સ્થાનિક સંસ્થાઓ માટે બેઠકો યોજશે, જેથી માત્ર સભ્યોને જ નહીં, પાર્ટીના મેનિફેસ્ટોને તૈયાર કરવામાં મદદ કરવા માટે સ્થાનિક મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ માટે આપના ચૂંટણી પ્રભારી સભાજીત સિંહે જણાવ્યું કે અનામત બેઠકોની જાહેરાત પહેલા ઉમેદવારોની પસંદગી કરી શકાતી નથી, તેથી આપ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવશે.
તેમણે કહ્યું કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આ બેઠકો મહત્વપૂર્ણ છે, અહીં અમે પાર્ટીની તાકાતનું મૂલ્યાંકન કરીશું. જેમણે ટિકિટ માંગી છે તેઓ તેમના સમર્થકો સાથે જોડાશે. અમે એવા લોકોને અરજી ફોર્મ વિતરણ કરીશું જેઓ અગાઉ અરજી કરી શક્યા નથી. અમે સ્થાનિક, બિનપક્ષીય લોકોની ભાગીદારી પણ સુનિશ્ર્ચિત કરીશું, જેથી અમે દરેક વિસ્તારની સમસ્યાઓનું મૂલ્યાંકન કરી શકીએ.
તેમણે કહ્યું કે, સ્થાનિક મેનિફેસ્ટોનો મુસદ્દો તૈયાર કરવાનું પણ એટલું જ મહત્વનું કાર્ય છે. સામાન્ય, વ્યાપક મુદ્દાઓ પાર્ટીના પ્રચારમાં હાવી રહેશે. તેમણે કહ્યું કે, આ બેઠકો દરમિયાન પાર્ટી તેની રણનીતિ પર ચર્ચા કરશે અને ફરજ નક્કી કરશે. આ ઉપરાંત પાર્ટી કાર્યર્ક્તાઓ સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે. આપએ લગભગ ૭૭ પાર્ટી કાર્યકરોની ઓળખ કરી છે અને તેમને જિલ્લા ફાળવ્યા છે, જ્યાં તેઓ આ બેઠકો કરશે.