રાજકોટ,\ ગુજરાતમાં લોક્સભા ચૂંટણી નિમિત્તે કુલ ૨૫ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. તેમા રાજકોટ દક્ષિણ બેઠકના બૂથ પર મા શારદા વિદ્યાલય ખાતે અંધ મહિલા ગૃહની ૧૬ સભ્ય બહેનોએ મતદાન કરી દર્શાવ્યું હતું કે તેમની પાસે ભલે આંખો નથી પણ મતદાન કરીને લોક્સાહીને જાળવી રાખવાનું વિઝન ચોક્કસ છે. તેમના આ મતદાને બધા લોકોને અને ખાસ કરીને સામાન્ય લોકો અને યુવાનોને પ્રેરણા આપી છે.
જો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ લોકશાહીને જાળવી રાખવા માટે આટલું કરી છૂટતી હોય તો પછી બીજા લોકોની ફરજ છે કે તે મતદાન કરે. આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પણ જણાવ્યું હતું કે આંખો નથી તો શું થયું, અમારા ઇરાદાઓ અડીખમ અને બુલંદ છે. અમે નિયમિત રીતે મતદાન કરીને લોકશાહીને જાળવી રાખવા માટે હાથની આંગળીને પવિત્ર નિશાનીથી અંક્તિ કરીએ છીએ.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વ હેઠળ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ચાંદની પરમાર અને સમાજ સુરક્ષા અધિકારી એમ.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનરી અરૂણ દવેના સહયોગથી અંધ મહિલા વિકાસ ગૃહે ૧૬ અંધ મહિલાઓને મતદાન કરાવીને લોકશાહીના પાવન પ્રસંગની ઉજવણી કરી હતી.
આ અંગે અંધ મહિલા વિકાસગૃહના કેમ્પસ ઇન્ચાર્જ કલ્યાણીબેન જોષીએ જણાવ્યું હતું કે લોકશાહીના આ દિવ્યાંગો પાછળ રહી ન જાય. હવે જો પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો પણ મતદાન કરી શક્તા હોય તો બીજા લોકોએ તો અચૂક મતદાન કરવું જોઈએ. પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવે છે.