આનંદી અને પાનમ સંગઠન દ્વારા મનરેગા અંતર્ગત કામગીરી આપવા માંગ.

ગોધરા,આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસ નિમિત્તે આનંદી અને પાનમ સંગઠનના નેજા હેઠળ મહિલાઓને મનરેગા હેઠળ કામ ફાળવવા માંગણી કરવામાં આવી છે. ગોધરા જિલ્લા ગ્રામ વિકાસ નિયામકને રજુઆત કરવા માટે મહિલાઓ આવી હતી પરંતુ મહિલાઓને નિયામક ઉપસ્થિત નહિ મળી આવતા એપીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રિય શ્રમિક દિન નિમિત્તે પંચમહાલ જિલ્લાને ઘોઘંબા ખાતે કાર્યરત આનંદી સંગઠન અને શહેરા ખાતે કાર્યરત પાનમ સંગઠનના નેજા હેઠળ કામ કરતી જાગૃત મહિલાઓ અને શ્રમિક મહિલાઓ પોતાને મનરેગા હેઠળની કામગીરી મળી રહે તે માટે વારંવાર તાલુકાકક્ષાએ અને ધારાસભ્ય સહિતને રજુઆત કરવા છતાં ઘોઘંબા તાલુકામાં આજદિન સુધી રજુઆતકર્તા શ્રમિક મહિલાઓને કામગીરી ફાળવવામાં આવી નથી. તેમજ વહીવટી મંજુરી પણ આપવામાં આવી નથી. જેથી જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીને આ અંગે રજુઆત કરવા માટે મહિલાઓ ગોધરા ખાતે આવી હતી. દરમિયાન નિયામક ઉપસ્થિત મળી નહિ આવતા તેઓએ પોતાની રજુઆત ઉપસ્થિત એપીઓને કરી હતી. દરમિયાન શહેરા તાલુકાની મહિલા અગ્રણિએ જણાવ્યુ હતુ કે, તેઓને હાલ કામગીરી મળી છે. પરંતુ મસ્ટર ઓનલાઈનની પ્રક્રિયામાં ખુબ જ તકલીફ પડી રહી છે સાથે મનરેગા યોજનાના મસ્ટરની કામગીરી અંગ્રેજીમાં છે જેને શ્રમિકો ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષામાં અનુસરવામાં આવે એવી પણ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.