આણંદમાં ભાજપના કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યુ:રંગેહાથ ઝડપાતાં ભાઈઓ સહિતના સાગરિતોને બોલાવી પરિણીતાના પરિવારને માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા

છેલ્લા છ મહિનાથી આણંદની એક પરિણીતા પર આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના BJP કાઉન્સિલર નજર બગાડી હતી. વીડિયો વાઈરલ કરવા તથા બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિએ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાજપે દુષ્કર્મી કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે. ત્યાર પરિણીતાના પરિવારને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

વોટની પાવતી આપવાના બહાને પરિણીતા સાથે પરિચય કેળવ્યો આણંદ શહેરમાં રહેતી 35 વર્ષીય એક પરિણીતા ગત તારીખ 6-6-2024ના રોજ બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે હતી. તેના પતિ કામઅર્થે બહારગામ ગયાં હતાં. દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ (જલારામ ખમણવાળા) આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાંખવા અંગેની તમારી પાસે પાવતી આવેલી છે? તેમ પૂછ્યું હતું. દરમિયાન પરિણીતાએ ના પાડતાં આ દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ એ તેણીનો મોબાઇલ નંબર લીધો હતો અને તમારા મોબાઇલમાં વોટ આપવાની પાવતી વોટ્સએપ મારફતે મોકલી આપીશ તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ થોડીવારમાં વોટ આપવાની પાવતી મોકલી આપી હતી.

જેના એકાદ કલાક બાદ આ દીપુ પ્રજાપતિએ પરિણીતાને ફોન કરી તમે સારા લાગો છો અને મને ગમો છો, તમારા પતિના વીડિયો મારી પાસે છે તેવું કહેવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ રાત્રીના સમયે આ દીપુ પ્રજાપતિએ ફરીથી પરિણીતાને ફોન કર્યો હતો અને જો તું મારી સાથે વાતચીત નહીં કરે તો, તે મારી સાથે જે અગાઉ વાતચીત કરેલી છે, તેનું રેકોડિંગ તારા પતિને મોકલી આપીશ અને તારો ઘરસંસાર તોડી નંખાવીશ તેવી ધમકીઓ આપી હતી. જે બાદ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને ધાકધમકીઓ આપી મોઢુ દબાવી રૂમમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો આ વાતની કોઈને જાણ કરીશ તો તારા પતિને તથા તારા બાળકોને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી જતો રહ્યો હતો. આ ધમકીથી પરિણીતા ડરી ગઈ હતી અને પોતનો ઘર સંસાર તૂટે નહી તે માટે આ અંગેની જાણ કોઈને કરી ન હતી.

જે બાદ ગઈકાલે તારીખ 16-11-24ના રોજ બપોરના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ પરિણીતા પોતાના ઘરના દરવાજે ઉભી હતી, તે વખતે ત્યાં રોડ પરથી પસાર થતાં આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ઈશારો કરી ફોન કરવા કહ્યું હતું. પરંતુ પરિણીતાએ ફોન કર્યો ન હતો. જેથી દીપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો હતો અને હું તારા ઘરે આવું છું અને પાંચ-દસ મિનિટમાં પાછો જતો રહીશ તેમ જણાવ્યું હતું. જે તે વખતે પરિણીતાએ ના પાડી હતી. તેમછતાં આ દીપુ પ્રજાપતિ માન્યો ન હતો. જેથી આ દીપુ પ્રજાપતિના ડરથી પરિણીતા પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી અને રાત્રીના નવેક વાગે પરત ઘરે આવી હતી. ત્યારબાદ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જમી-પરવારીને પરિણીતાના પતિ બંને બાળકોને લઈ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયાં હતાં. તે વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

તે દરમિયાન પરિણીતાના પતિ ઘરે આવી જતાં આ દીપુભાઇ ગોરધનભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. બુમાબુમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. બીજી બાજુ આ અંગેની જાણ થતાં દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેમના સાગરિતો લાકડી, પાઈપ જેવા હથિયાર લઈને દોડી આવ્યાં હતાં અને પરિણીતાના પરિવારજનો સાથે મારામારી કરી, દીપુ પ્રજાપતિને લઈ ગયાં હતાં. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો મારામારી કરતા સ્પષ્ટ દેખાય છે. ત્યારે, આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, દીપુભાઈના બંને ભાઈઓ અને સાતેક સાગરિતો વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 189(2), 191(3), 191(2), 64(2)(m), 190, 351(3), 352, 329(3) તેમજ જી.પી.એ એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય જનતા પાર્ટીએ તુરંત જ આ દિલીપ પ્રજાપતિને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી સસ્પેન્ડ કર્યો છે. આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલની સહી સાથેના પત્રમાં લખ્યું છે કે, આપ દિલીપભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ (રહે.શિવકૃપા સોસાયટી, વૃંદાવન સોસાયટી પાછળ, વલ્લભ વિદ્યાનગર રોડ, આણંદ) આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર છો. આજરોજ અમોને મળેલી માહિતી મુજબ આપના વિરૂદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે. જે પાર્ટીની ગરીમાને નુકસાનકર્તા હોવા સાથે પક્ષની શિસ્તભંગનો કિસ્સો બને છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચના અનુસાર આપને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.