આમિર ખાને પાછલા એક વર્ષથી કોઈ ફિલ્મ કરી નથી. લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ રહ્યા બાદ આમિર ખાને બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. યોગ્ય સ્ક્રિપ્ટ ન મળે ત્યાં સુધી રાહ જોવાનો આમિરે નિર્ણય લીધો હતો. આમિર ખાન માટે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો હોય તેમ જણાય છે. આમિરે આતંકવાદી કસાબને ફાંસીની સજા અપાવનારા વકીલની બાયોપિક બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં આમિર વકીલના રોલમાં જોવા મળશે.
રિપોર્ટ્સ મુજબ, આમિર ખાન બાયોપિક બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ મેકર દિનેશ વિજાન સાથે તેઓ ઉજ્જવલ નિકમની બાયોપિક કરવાના છે. તેમાં આમિર ખાન ઉજ્જવલ નિકમનો રોલ કરવાની સાથે પ્રોડ્યુસર તરીકે પણ જોડાવાના ચે. દેશના જાણીતા વકીલોમાં ઉજ્જવલ નિકમનો સમાવેશ થાય છે. પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. હાલના સમયમાં દેશભક્તિનો વિષય ધરાવતી કે દેશની સલામતી-સમૃદ્ધિમાં મહત્ત્વનું યોગદાન આપનારી વ્યક્તિઓ આધારિત ફિલ્મો વધારે ચાલે છે. આમિરે પણ બદલાતા ટ્રેન્ડને પારખીને આતંકવાદ સામે લડનારા વકીલના જીવનને ફિલ્મમાં રજૂ કરવાનું વિચાર્યું છે. યશરાજ ફિલ્મ્સ સાથે આમિર ખાને એક એક્શન ફિલ્મ પણ પ્લાન કરી હોવાનું કહેવાય છે. આમિરના આ પ્રોજેક્ટ અંગે હજુ ખાસ વિગતો બહાર આવી નથી.