
લુણાવાડા, મહીસાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વૃક્ષના ડાળ પર યુવક-યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. એક જ રસ્સી વડે યુવક અને યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં આ મૃતદેહો મળી આવ્યા. ખાનપુર તાલુકાના મૈયાપુર ગ્રામ પંચાયત વિસ્તારના વાવ્યો ગામની સીમમાં એક વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ખેતરમાં આંબાના ઝાડની ડાળીએ લટકતી હાલતમાં યુવક-યુવતીના મૃતદેહથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બાકોર પોલીસને જાણ થતાં બાકોર ઙજઈં સહિત તેમની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા લટકતી હાલતમાં બંને મૃતદેહોને ઝાડ પરથી ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી બનાવ અંગેની તાપસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક બંને યુવક-યુવતી ખાનપુર તાલુકાના વતની હોવાનું માલુમ પડ્યું છે. ત્યારે સમગ્ર બનાવ અંગે મોતનું કારણ હાલ અકબંધ છે અને બાકોર પોલીસ તપાસ કરી રહી છે.