આમલી અગિયારસે દાહોદના રામડુંગરા ભીમકુંડ ખાતે મૃતકોની અસ્થિ વિર્સજીત કરાઈ

દાહોદ,દાહોદ જિલ્લામાં કોળી તહેવારને લઈ આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હોળી પૂર્વે આમલી અગિયારસનો તહેવાર પણ આદિવાસી સમાજ માટે અનેરૂ મહત્વ ધરાવે છે. જેમાં ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસનું ખૂબ જ અનેરૂં મહત્વ હોય છે. દિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થી (ફૂલો)ને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરૂષની અસ્થિ હોય તો સફેદ કપડામાં હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિ ઓ બહાર કાઢે છે. તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળધર વડે આ અસ્થીઓને ધોઈ તેની પૂંજા કરે છે. પૂંજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે.

હોળીની પ્રથમ અગિયારસ એટલે કે, આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે. જોકે, અહીંના ભીલ સમાજના લોકોની એવી એવી પણ માન્યતા છે કે, આ જગ્યાએ પાંડવો આવ્યા હતા. આ જગ્યાએ પાંચકુંડ આવેલા છે. જેથી આ જગ્યા એ દેવોનો પણ વાસ છે. જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે. અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા વગાડીને તેમની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ આ ભીમકુંડમાં વિસર્જિત કરતા હોય છે. અસ્થિ પધરાવવા માટે ભીમકુંડ ખાતે લોકોની ભારે ભીડ જામે છે.