
ગાંધીનગર,
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ ૧૮૨ ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આ ફરિયાદ પોરબંદર અને ઉમરેઠના બે અરજદારોએ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે આમ આદમી પાર્ટીના તમામ મેન્ડેટ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અપાયા છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પક્ષ નથી છતાં આ પક્ષના રાષ્ટ્રીય સેક્રેટરી પંકજ ગુપ્તાની સહીથી ગુજરાતમાં ચૂંટણી લડવાનો મેન્ડેટ અપાયો છે. હકીક્તમાં તો પાર્ટીના ગુજરાતના સેક્રેટરી જયદીપ પંડ્યાની સહીથી મેન્ડેટ ઈશ્યૂ થયેલા હોવા જોઈએ. અનઅધિકૃત વ્યક્તિની સહીથી મેન્ડેટ ઈશ્યૂ કરાયેલા હોવાથી તમામ સીટો પર ઉમેદવારના ફોર્મ રદ થવા જોઈએ, તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, બંને તબક્કાની ૧૮૨ બેઠકો માટે કુલ ૧૬૨૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાં પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૭૮૮ ઉમેદવારો છે અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં ૪૦૦થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું. મહત્વનું છે કે ૧ ડિસેમ્બરે પ્રથમ અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ૧૮૨ મેન્ડેટ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા મુશ્કેલી વધી શકે છે.