આમ આદમી પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહને રાજ્યસભામાં આપ સંસદીય દળના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલ થયા બાદ સંજય સિંહ પર પાર્ટીની જવાબદારી પણ છે. સંજય સિંહ પાર્ટીના મુદ્દા પર અવાજ ઉઠાવતા રહે છે.
સંસદીય દળના અયક્ષની પ્રાથમિક જવાબદારીઓમાંથી એક સાંસદોની ટીમનું નેતૃત્વ અને સંચાલન કરવાનું હોય છે જેમાં પાર્ટી નેતૃત્વ અને ધારાસભ્યો વચ્ચે કોમ્યુનિકેશનને સુવિધાજનક બનાવવાનું હોય છે. જેનાથી એ સુનિશ્ર્ચિત કરી શકાય કે, પાર્ટીના ઉદ્દેશ્યો અને વ્યૂહરચના અંગે બધા એકમત થાય. સંસદીય દળના અયક્ષ પાર્ટી અને અન્ય રાજકીય દળો, સરકારી અધિકારીઓ અને સંસદીય સમિતિઓ વચ્ચે સંપર્ક સૂત્રના રૂપમાં પણ કામ કરે છે.
સંજય સિંહ પ્રથમ વખત ૨૦૧૮માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને આ વર્ષે તેઓ ફરીથી ચૂંટાયા. તેઓ ૨૦૧૨માં આમ આદમી પાર્ટીની રચના પછી તરત જ તેમાં સામેલ થઈ ગયા હતા અને ટૂંક સમયમાં જ પાર્ટીમાં ટોપની પોઝિશન પર પહોંચી ગયા. હવે તેઓ પાર્ટીના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. રાજ્યસભાના સદસ્ય તરીકે સંજય સિંહે આપના એજન્ડાને આગળ ધપાવવા માટે અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરવામાં અને વાટાઘાટો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.