આલા હઝરત પરિવારની વહુએ યુસીસીનું સમર્થન કર્યું

બરેલી, એક તરફ દેશભરમાં મુસ્લિમ સમુદાયના લોકો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહ્યા છે. તમામ મૌલવીઓ અને મૌલાનાઓ વિરોધમાં ભાષણો આપી રહ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં આલા હઝરત પરિવારની વહુ નિદા ખાને તેનું જોરદાર સમર્થન કર્યું છે. ભૂતકાળમાં ટ્રિપલ તલાકની લડાઈ લડી ચૂકેલી નિદા ખાને કહ્યું કે મુસ્લિમ મહિલાઓનું ભવિષ્ય યુસીસી સાથે સુરક્ષિત રહેશે. મુસ્લિમ મહિલાઓ પર ટ્રિપલ તલાકની તલવાર હંમેશા લટક્તી રહે છે, પરંતુ આ કાયદો તેમના માટે મજબૂત ઢાલ સાબિત થશે. આ સાથે તેમણે દેશની તમામ મુસ્લિમ મહિલાઓને આ કાયદાનું સમર્થન કરવાની અપીલ કરી છે.

નિદા ખાને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે ટ્રિપલ તલાક બાદ UCC બિલ લાવવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો છે. જણાવી દઈએ કે નિદા ખાન એ જ આલા હઝરત પરિવારની વહુ રહી છે, જેની બરેલીમાં વિશ્ર્વ પ્રસિદ્ધ દરગાહ છે. અગાઉ નિદાએ ટ્રિપલ તલાક સામે મોટી લડાઈ લડી હતી. તે સમયે, તમામ મૌલવીઓ અને મૌલાનોએ તેનો વિરોધ કર્યો હતો, તેમ છતાં તે પીછેહઠ કરી ન હતી. હવે યુસીસીને ટેકો આપીને તે ફરી એકવાર મૌલવીઓના નિશાના હેઠળ આવી ગઈ છે.

નિદા ખાને દેશની સેંકડો મુસ્લિમ મહિલાઓ સાથે સમાન નાગરિક્તાનું સમર્થન કર્યું છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં આ તમામ મહિલાઓના હસ્તાક્ષર મેળવ્યા બાદ તેમણે વડાપ્રધાન કાર્યાલયને મોકલી આપ્યા છે. જેમાં વડાપ્રધાનનો આભાર માનતા લખ્યું છે કે ટ્રિપલ તલાકની તલવાર હંમેશા મુસ્લિમ મહિલાઓની ગળા પર રહેતી હતી, પરંતુ આ કાયદો લાગૂ થવાથી મુસ્લિમ મહિલાઓની ગળા આ પ્રકારની પછાત પ્રથાથી હંમેશા માટે સુરક્ષિત રહેશે. નિદા ખાનની આલા હઝરત બરેલી હેલ્પિંગ સોસાયટીએ કહ્યું કે અત્યાર સુધી મુસ્લિમ મહિલાઓના હક્કો તેમના પતિ બીજી પત્ની લાવીને છીનવી લેતા હતા.

જેનાથી કારણે પહેલી પત્નીના બાળકો પાસેથી તેમનો અધિકાર આપોઆપ છીનવાઈ જતો હતો. આ પ્રથાનો પોતે પણ ભોગ બની ચુકી છે. નિદાના કહેવા પ્રમાણે તેના પતિએ તેના તમામ અધિકારો છીનવીને બીજી પત્નીને આપી દીધા હતા. તે લડીને બચી ગઈ, પરંતુ જે મહિલાઓ લડી શક્તી નથી તે વિધવા કરતાં પણ ખરાબ જીવન જીવવા મજબૂર છે. પરંતુ આ બિલ કાયદો બનતાની સાથે જ તમામ મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ થશે એટલું જ નહીં, ટ્રિપલ તલાકનો ખતરો પણ કાયમ માટે ટળી જશે. દેશની મુસ્લિમ મહિલાઓને અપીલ કરતા તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ આ બિલને સમર્થન આપવું જોઈએ.