નવીદિલ્હી,
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનાં અભિભાષણ પર કોંગ્રેસે બીજેપી પર નિશાન સાધ્યું છે. સાંસદ શશિ થરૂરે કહ્યું કે ’ભાજપ રાષ્ટ્રપતિનાં માધ્યમથી ચૂંટણીમાં ફાયદો લેવાનાં પ્રયાસો કરી રહી છે.’
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે ’રાષ્ટ્રપતિ ચૂંટણી નથી લડતાં પરંતુ એવું લાગી રહ્યું છે કે બીજેપી સરકાર પોતાનાં આવનારા ચૂંટણી અભિયાન તેમના માધ્યમથી ચલાવી રહી છે. તે સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક કામોમી પ્રશંસા કરવાનાં પ્રયાસો કરી રહી હતી. અમે તેના માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને જવાબદાર નથી કહી રહ્યાં કારણકે ભાષણ વર્તમાન કેન્દ્ર સરકારે લખ્યું હતું.’
સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ શરૂ કરતાં દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ’ભારતનો આત્મવિશ્ર્વાસ તેના સર્વોચ્ચ સ્તરે છે અને વિશ્વ તેને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે.’ આગળ એમને કહ્યું કે, ’એવું ભારત બનાવવું છે કે જેમાં કોઇ ગરીબ ના હોય, જેનો મધ્યમ વર્ગ પણ સમૃદ્ધ હોય. એક એવું ભારત કે જેમાં યુવાનો અને મહિલાઓ સમાજ અને દેશને રસ્તો બતાવવા માટે મોરચે ઊભા રહે, એવું ભારત તૈયાર કરવું છે કે જેના યુવાનો સમય કરતાં બે ડગલાં આગળ રહે’.
બજેટ સત્રમાં અભિભાષણ શરૂ કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આજે આ સત્ર દ્વારા હું દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ સતત બે ટર્મ માટે સ્થિર સરકારની પસંદગી કરી છે. મારી સરકારે હંમેશા દેશના હિતને સર્વોપરી રાખ્યું છે, નીતિ-રણનીતિને સંપૂર્ણ રીતે બદલવાની ઇચ્છા દર્શાવી છે. જે ભારત એક સમયે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે અન્યો પર નિર્ભર હતું તે આજે વિશ્વની સમસ્યાઓના ઉકેલ માટેનું માધ્યમ બની ગયું છે.