આખરે ઠગ વિનય શાહની ધરપકડ, ૨૬૦ કરોડથી વધુનું ફુલેકુ ફેરવીને કૌભાંડી નેપાળ ભાગી ગયો હતો

અમદાવાદ,

અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઓફિસ ખોલીને લોભામણી નાણાંકીય સ્કીમો બહાર પાડીને ૨૬૦ કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહને દિલ્લીથી ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલીને લોકોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ગેરકાયદેસર નાણાંકીય સ્કીમમાં રોકાણ કરાવી અંદાજે ૨૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સંદર્ભે કૌભાંડના માસ્ટરમાઈન્ડ એવા વિનય બાબુલાલ શાહ વિરુદ્ધ અમદાવાદ શહેરમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ કૌભાંડી વિનય શાહ વિદેશ ભાગી ગયો હતો.

આ સંદર્ભે ડીજીપી આશિષ ભાટિયા દ્વારા સીઆઇડી ક્રાઈમને આરોપીને પકડવા માટે રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઈમના સીઆઇ સેલને બાતમી મળી હતી કે વિનય શાહ નેપાળથી દિલ્હી આવવાનો છે. જેના આધારે સીઆઇડીની ટીમે આરોપી વિનય શાહ દિલ્હી આવતા તેને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.