આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ એલસીબીએ પકડી

વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે. વલસાડની એલસીબીએ દેશના અનેક રાજ્યોમાં ચોરી, લૂંટ અને ધાડ જેવા અનેક ગુનાઓને અંજામ આપી ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોની પોલીસને દોડતી રાખનારી ખૂંખાર રાજસ્થાની ગેંગને ઝડપી લીધી છે.

વલસાડના બગવાડામાં એક બંગલાને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપે એ પહેલા જ વલસાડ એલસીબીએ આ ગેંગને પકડવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના અને ઘાતક હથિયારો સહિત ૧૨ લાખથી વધુ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

વલસાડ એલસીબી ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી એ વખતે બાતમી મળી હતી કે એક સ્વિટ કારમાં કેટલાક ઈસમો લૂંટના ઇરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવતા કાર અટકાવી તપાસ કરી હતી. કારમાં ૬ વ્યક્તિઓ સવાર હતા. બધું તપાસ કરતા કારમાંથી ચોરી કરવાના સાધનો અને ધારદાર તીક્ષણ હથિયાર પણ મળી આવ્યા હતા.

કારમાંથી હથિયારો સાથે ૮૮.૯૬૦ ગ્રામ સોનું , ૫૨૯.૭૮૦ ગ્રામ ચાંદી તેમજ સ્વિટ કાર મળી કુલ ૧૨,૨૦,૩૪૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો .આમ બગવાડા વિસ્તારમાં એક ધાડને અંજામ આપવા નીકળેલા શખ્સો મોટો ગુનો કરે તે પહેલા જ ઝડપાઇ ગયા હતા. વલસાડ એલસીબીએ તપાસ કરતા બહાર આવ્યું છે કે આ ૬ ઈસમો સમગ્ર દેશ માં ધાડ ,લૂંટ અને હત્યાને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના સભ્યો છે.

ઝડપાયેલા તમામ આરોપીઓ દિનેશ પ્રસાદ ગોવિંદ મેઘવાલ રાજેન્દ્ર બાવરી, ધનરાજ બલાઈ, કાળુ બાવરી અને મુકેશ મેઘવાલ રાજસ્થાનના રહેવાસી છે. દિનેશ પ્રસાદ ગોવીંદ મેઘવાળ અને મુકેશ મેઘવાલ આ ગેંગના માસ્ટરમાઈન્ડ છે, પકડાયેલા તમામ ઈસમો રીઢા ગુનેગાર છે. આમાથી ત્રણ ઈસમો સામે આ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. પકડાયેલા આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના ૪૦ થી વધુ ફોરવ્હીલર વાહનો ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે. જ્યારે દિનેશ માલી રાજસ્થાનના ભીલવારા પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. ગુજરાતના કચ્છ ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં ગુન્હાઓ અંજામ આપનારી ધાડપાડુ ગેંગ વલસાડમાં ધાડ પાડે તે પહેલા જ જિલ્લા ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. હાલ તો પોલીસે તમામના રિમાંડ લેવાની તજવીજ હાથ ધરી છે.