આખરે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો, આ હજુ પણ એક મોટો પ્રશ્ર્ન છે : કર્ણાટકના ગૃહમંત્રી

તમિલનાડુના મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન દ્વારા ‘સનાતન ધર્મ’ પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજુ થમ્યો નથી અને આ દરમિયાન અન્ય ઘણા નેતાઓએ પણ આ અંગે નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું છે. મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયંક ખડગે બાદ હવે રાજ્યના ગૃહમંત્રી ડો. જી પરમેશ્ર્વરે હિન્દુ ધર્મની ઉત્પત્તિને લઈને સવાલો પૂછ્યા છે. તેમણે અલગ-અલગ ધર્મો અંગે અન્ય ઘણી બધી ટિપ્પણીઓ પણ કરી હતી.

કર્ણાટકના ગૃહમંત્રી ડૉ જી પરમેશ્ર્વરે કહ્યું કે, “સવાલ એ છે કે આખરે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો? કોણે તેને બનાવ્યો? દુનિયાના ઇતિહાસમાં ઘણા ધર્મોનો જન્મ થયો છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સ્થાપના અહીંથી થઈ છે. આખરે હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો, આ હજુ પણ એક મોટો પ્રશ્ર્ન છે.”

માહિતી અનુસાર, ડૉ જી પરમેશ્ર્વરે આ નિવેદન કોરાટાગેરેમાં મારુતિ કલ્યાણા મંડપમ ખાતે શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે, આપણા દેશમાં જૈન અને બૌદ્ધ ધર્મનો ઈતિહાસ છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં બહારથી આવ્યા હતા. બધા ધર્મોનો એક જ અર્થ છે અને તે છે માનવજાત માટે ભલાઈ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉદયનિધિ સ્ટાલિન પર શનિવારે તમિલનાડુમાં એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મને જડમૂળથી ઉખેડવા માટે નિવેદન આપવાનો આરોપ લાગ્યો હતો. ઉદયનિધિએ સનાતનની સરખામણી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી. તેમના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી અને ભાજપે તેમના નિવેદનની નિંદા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, થોડા સમય બાદ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ સ્ટાલિનના પુત્રની વિવાદાસ્પદ નિવેદનને સમર્થન આપ્યું હતું.

ઉત્તર પ્રદેશના રામપુરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વકીલોએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને મંત્રી પ્રિયંક ખડગે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ આ બંને નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઇઆર અંગે યુપીના મંત્રી અને બીજેપી નેતા અનિલ રાજભરે કહ્યું કે આપણો દેશ અને મોદી સરકાર કોઈને પણ સનાતન ધર્મને નુક્સાન પહોંચાડવા દેશે નહીં. જેમણે તેમની (ઉદયનિધિ સ્ટાલિન) વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ.