આખા ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું: ૨૦નાં મોત,દિલ્હી-એનસીઆરમાં ઠંડીનો પ્રકોપ

ઉત્તર ભારતમાં મોસમ સંપૂર્ણપણે પલટો લઈ રહી છે. આકરી ઠંડી અને ભારે ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. મંગળવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે રોડ પર ધુમ્મસ પણ જોવા મળી હતી. સવારના સમયે યમુના નદીના કિનારે ધુમ્મસના સ્તર જોવા મળ્યા હતા. ઠંડી અને તેના કારણે થયેલા અકસ્માતોની ઘટનામાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોના મોત થયા છે. 

અગાઉ દિવસે દિલ્હી અને કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના તેલંગણા અને દક્ષિણ-પૂર્વના ઓડિશા સુધી 11 રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહનોની અવરજવરની ગતિ ધીમી પડી ગઈ હતી. ધુમ્મસ છવાઈ જવાથી જોવામાં તકલીફ પડતાં રોડથી લઈને રેલવે તથા વિમાનોની ઉડાણ પ્રભાવિત થઈ હતી.  ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલીયે જગ્યાએ તાપમાનનો પારો શૂન્યથી નીચે(માઈનસમાં) પહોંચી ગયો છે. જમ્મુ-કાશ્મીરનું પહલગામ સૌથી ઠંડું રહ્યું છે.

દેશની રાષ્ટ્રીય રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 8-30 કલાકે દૃશ્યતા શૂન્ય થઈ ગઈ અને પછી સ્થિતિમાં થોડોક સુધારો થયો અને 125થી 175 મીટર સુધી જોઈ શકાવા માંડ્યું હતું. જેના કારણે કેટલીક ફ્લાઇટ મોડી પડી હતી. સાત ઉડાણોને જયપુર અને એકને અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. દિલ્હી એરપોર્ટની ઓથોરિટીએ યાત્રીઓને ફ્લાઇટ પકડવા માટે નિકળથા પહેલા નવા સમયપત્રકની તપાસ કરવા સલાહ આપી છે.

હૈદરાબાદ એરપોર્ટ પર પણ ખરાબ મોસમના કારણે મુંબઇ અને બેંગલુરુથી આવનારી વિસ્તારાની બે ઉડાણ પરત મોકલી હતી. 20થી વધુ ટ્રેનોની અવરજવરમાં અવરોધ પેદા થયો હતો. હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે, વર્ષના છેલ્લા દિવસોમાં હવામાનમાં પલટાને કારણે યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ પડી શકે છે.

કાશ્મીરમાં ભારે ધુમ્મસની સાથે ઠંડીનો બેવડો માર પડી રહ્યો છે. શ્રીનગરમાં સવારે દૃશ્યતા 100 મીટરથી ઓછુ થઈ ગઈ છે. બરફવર્ષાને લીધે શ્રીનગર સહિત મુખ્ય સ્થળો પર તાપમાનનો પારો શૂન્યથી નીચો પહોંચી ગયો છે. અહીંયા માઈનસ 4.3 ડિગ્રીની તાપમાન સાથે પહલગામ સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે.

રાજધાની દિલ્હી સહિત આગ્રા, પ્રયાગરાજ અને ગ્વાલિયરમાં ભારે ધુમ્મસને કારણે સવારે આઠ કલાકે દૃશ્યતા શૂન્યથી નીચે નોંધાઈ હતી. જ્યારે, સવારે પાંચ કલાકે વારાણસીમાં 200 મીટર, લખનઉ, સતના, પટના અને નાગપુરમાં પણ દૃશ્યતા 500 મીટરની નોંધાઈ હતી. એનસીઆરમાં 500 મીટરથી આગળ જોઈ શકાતું ન હતું. ભારે ઠંડીને પગલે ટ્રેનોની ગતિ પ્રતિ કલાક ફક્ત 15થી 20 કિલોમીટર થઈ ગઈ હતી.

પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે ધુમ્મસ છવાયેલું રહ્યું. જ્યારે ઓડિશામાં હળવું અને ત્રિપુરામાં મધ્યમ ધુમ્મસ છવાયેલું રહ્યું છે. સવારે આઠ કલાકની આસપાસ 200 મીટરથી ઓછી દૃશ્યતા પંજાબના અમૃતસર, લુધિયાણા અને પટિયાલા, હરિયાણાના અંબાલા, હિસાર, કરનાલમાં રહી હતી. ભિવાનીમાં 50, રોહતકમાં 200, દિલ્હીના પાલમમાં 50, સફદરગંજમાં 200 અને ઉત્તરપ્રદેશના ઝાંસી અને વારાણસીમાં 25, મેરઠ અને લખનઉમાં 50, બરેલીમાં 200 મીટર સુધીની દૃશ્યતા રહી હતી. સવારના સમયે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ-પાલમ પર ભારે ધુમ્મસ છવાયેલું રહ્યું. સામાન્ય દૃશ્યતા 50 મીટર રહી હતી અને મોટાભાગના એરપોર્ટના આરવીઆર સીમા ઉપર રહ્યો હતો.