રાજયભરમાં ભારે વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે જેના લીધે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ ૪૦થી ૬૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે કોથમીર ૩૨ રૂપિયા કિલો મળતી હતી તે હાલમાં પ્રશ્ર્વિમ વિસ્તારમાં ૬૦ રૂપિયા કિલોના ભાવે મળે છે.
આ ઉપરાંત ૫૦ રૂપિયાની મેથી કિલોના ૨૪૦ રૂપિયા, ૫૦ રૂપિયા કિલો પાલક ૨૪૦ રૂપિયા અને ૬૦ રૂપિયા કિલોનો ફુદીનો ૧૬૦ રૂપિયે કિલો મળી રહ્યો છે. મરચા ૨૦ રૂપિયા કિલો હતા તે અત્યારે ૮૦ રૂપિયા કિલો મળી રહ્યા છે. બટાકા અને ડુંગળીના ભાવોમાં વધારો થઈ ગયો છે. બટાકા ૪૮ રૂપિયા કિલો અને ડુંગળી ૫૨ રૂપિયા કિલો મળી રહી છે.
કંકોડા ૨૪૦ રૂપિયે, ગવાર ૧૨૦ રૂપિયે, સરગવો ૧૬૦ રૂપિયે, ટીંડોળા ૧૧૦ રૂપિયે, લીંબુ ૧૬૦ રૂપિયે, ફણસી ૧૩૦ રૂપિયે, વટાણા ૧૪૦ રૂપિયે, કારેલા ૧૧૦ રૂપિયે કિલો છે. આ ઉપરાં ફલાવર ૯૫ રૂપિયે, ભીંડા ૮૦ રૂપિયે, દેશી કાકડી ૯૦ રૂપિયે કિલો છે.
રાજ્યમાં પડેલા ભારે વરસાદે ગ્રામીણ વિસ્તારોના શહેરોને જોડતા અનેક માર્ગો ધોઈ નાખતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીઓ સડી રહી છે અને ભારે વરસાદના લીધે રસ્તાઓ ગળાડૂબ થતાં તેઓ તેને શહેરોમાં લઈ જઈ શક્તા નથી. બીજી બાજુએ શહેરોમાં લોકોએ શાકભાજીના પુરવઠાના અભાવે શાકભાજીના ત્રણથી ચાર ગણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. શાકભાજીના ઊંચા ભાવના લીધે લોકો સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં કેટલાય લોકોએ તેના લીધે રીતસરનો કઠોળ પર મારો ચલાવ્યો છે. લોકોને વિશ્ર્વાસ છે કે થોડો સમય પછી વરસાદ થંભી જતા ભાવ આપમેળે નીચા આવશે.