
નવો મહિનો, એટલે કે એપ્રિલ તેની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર આવકવેરો ભરવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત આજથી મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા, હ્યુન્ડાઈ ઈન્ડિયા અને હોન્ડાની ગાડીઓના ભાવમાં વધારો થયો છે.
એપ્રિલ મહિનામાં થઈ રહેલા 10 ફેરફાર…
1. કોમર્શિયલ સિલિન્ડર 44.50 રૂપિયા સસ્તું થયું, રાંધણ ગેસ-સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
આજથી, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 44.50 રૂપિયા ઘટી છે. દિલ્હીમાં તેની કિંમત ₹41 ઘટીને ₹1762 થઈ ગઈ. પહેલા તે ₹1803માં મળતો હતો. કોલકાતામાં તે ₹44.50 ઘટીને ₹1868.50માં મળે છે, અગાઉ એની કિંમત ₹1913 હતી.
મુંબઈમાં સિલિન્ડરનો ભાવ ₹1755.50 થી ₹1713.50 સુધી ઘટી ગયો છે. ચેન્નાઈમાં સિલિન્ડર ₹ 1921.50માં મળે છે. જો કે, 14.2 કિલોગ્રામના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં ₹ 803 અને મુંબઈમાં ₹ 802.50માં મળી રહ્યો છે.
2. નવી ટેક્સ વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે
હવે નવી કર વ્યવસ્થા હેઠળ, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. પગારદાર લોકો માટે, આ મુક્તિ રૂ. 75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે વધીને રૂ. 12.75 લાખ થશે. સરકારે નવી કર વ્યવસ્થાના સ્લેબમાં પણ ફેરફાર કર્યા છે. જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
3. ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ યોજના (MSSC) બંધ
સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ખાસ રોકાણ યોજના ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ (MSSC) બંધ કરવામાં આવી છે. આ યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ, 2025 હતી. આ યોજનામાં 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવતું હતું. આમાં, 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી મહત્તમ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું હતું.
4. ફોર-વ્હીલર ખરીદવી મોંઘી થઈ
મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા, હ્યુન્ડાઈ ઈન્ડિયા અને હોન્ડા કાર્સે આજથી તેની ગાડીઓના ભાવમાં વધારો કર્યો છે. મારુતિ સુઝુકીની કાર 4% સુધી મોંઘી થઈ ગઈ છે, આ મોડેલના આધારે બદલાશે.
5. ઇનએક્ટિવ મોબાઇલ નંબરો પર UPI કામ કરશે નહીં
જો તમે UPI નો ઉપયોગ કરીને વ્યવહાર કરો છો અને બેંક સાથે લિંક કરેલ તમારો મોબાઇલ નંબર લાંબા સમયથી ઇનએક્ટિવ છે, તો આ નંબર પર UPIનો ઉપયોગ કરી શકાતો નથી. આવા નંબરો UPI સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે. આવી સ્થિતિમાં તમને ચુકવણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
6. વરિષ્ઠ નાગરિકોને વ્યાજ આવક પર બમણી મુક્તિ
બેંકો અને પોસ્ટ ઓફિસમાંથી વ્યાજની આવક પર વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી કર મુક્તિ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, એટલે કે હવે વરિષ્ઠ નાગરિકોને વ્યાજની આવક પર 1 લાખ રૂપિયા સુધીની રાહત મળશે.
7. કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના શરૂ થશે
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) નો લાભ મેળવી શકશે. આ યોજના હેઠળ, ઓછામાં ઓછાં 25 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% જેટલું પેન્શન મળશે. દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શનની ગેરંટી પણ છે.
આ યોજના જૂની પેન્શન યોજના (OPS), નવી પેન્શન યોજના (NPS) અને કર્મચારીઓની વિવિધ માગણીઓ વચ્ચે સંતુલન બનાવવા માટે લાવવામાં આવી છે. UPS હેઠળ કર્મચારીઓ તેમના પગારના 10% ફાળો આપશે, જ્યારે સરકાર 18.5% ફાળો આપશે (NPSમાં સરકાર 14% ફાળો આપતી હતી). NPS હેઠળ આવરી લેવામાં આવેલા હાલના કર્મચારીઓ UPS પસંદ કરી શકે છે અથવા NPS માં રહી શકે છે.
8. યુલિપ પર કેપિટલ ગેન ટેક્સ
જો ULIP એટલે કે યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાનનું પ્રીમિયમ વાર્ષિક રૂ. 2.5 લાખથી વધુ હોય તો તેને કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવશે. આવી ULIPના રિડેમ્પ્શનમાંથી ઉદ્ભવતા કોઈપણ નફા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. યુલિપ એક એવી પ્રોડક્ટ છે, જેમાં પ્રીમિયમનો એક ભાગ શેરબજારમાં રોકાણ કરવામાં આવે છે.
- જો એ 12 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવે છે, તો એના પર 12.5% ના દરે લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) તરીકે કર લાગશે.
- જો એ 12 મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવે છે, તો એના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) તરીકે 20% ટેક્સ લાગશે.
9. બેંકમાં મિનિમમ બેલેન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર
SBI, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક અને કેટલીક અન્ય બેંકોએ મિનિમમ બેલેન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે આ બેલેન્સ તમારા ખાતા શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના પર આધાર રાખે છે. નિર્ધારિત રકમ કરતાં ઓછી રકમ રાખવા બદલ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે.
10. ATF 6,064.1 રૂપિયા સસ્તું: હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ ઘટાડ્યા છે. આનાથી હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, ચેન્નાઈમાં ATF 6,064.10 રૂપિયા સસ્તું થઈને 92,503.80 રૂપિયા પ્રતિ કિલોલિટર (1000 લિટર) થયું છે.
શહેર | નવી કિંમતો | પહેલાંના ભાવ | તફાવત |
દિલ્હી | 89,441.18 | 95,311.72 | 5,870.54 |
કોલકાતા | 91,921.00 | 97,588.66 | 5,667.66 |
મુંબઈ | 83,575.42 | 89,070.03 | 5,494.61 |
ચેન્નઈ | 92,503.80 | 98,567.90 | 6,064.1 |
નોંધ: જેટ ફ્યૂઅલના ભાવ પ્રતિ કિલોલિટર રૂપિયામાં છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં
આજે એટલે કે 1 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ, મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે.